તમિલનાડુના રાજકારણમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. અભિનેતા અને ટીવીકે (તમિલગા વેટ્રી કઝગમ)ના સ્થાપક સી. જોસેફ વિજયે આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં હજારો સમર્થકો અને અનેક રાજકીય તેમજ ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. બે વર્ષ પહેલા રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરનાર વિજયે અદભૂત જીત મેળવીને રાજ્યની સત્તા પર કબજો જમાવ્યો છે.
તમિલનાડુમાં છેલ્લા 59 વર્ષથી ડીએમકે અને એઆઈએડીએમકેનું રાજકીય પ્રભુત્વ રહ્યું હતું, પરંતુ આ વખતે લોકોના જનાદેશથી એક નવી રાજકીય શક્તિ તરીકે ટીવીકે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. ટીવીકેએ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી છે. કોંગ્રેસ સહિતના સાથી પક્ષોના સમર્થનથી વિજયને કુલ 120 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, જ્યારે સરકાર બનાવવા માટે 118 બેઠકોની જરૂર હતી. આ સાથે વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બન્યા છે.
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સમગ્ર સ્ટેડિયમમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. વિજયના સમર્થકો મોટી સંખ્યામાં સ્ટેડિયમની બહાર એકત્રિત થયા હતા અને ઢોલ-નગારા સાથે ઉજવણી કરી હતી. ‘થલપતિ’ના નામે લોકપ્રિય વિજયને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સમારોહમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા Rahul Gandhi પણ હાજર રહ્યા હતા. ઉપરાંત દક્ષિણ ભારતીય ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી Trisha Krishnan પણ સમારોહમાં ઉપસ્થિત રહી હતી.
ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ટીવીકે સૌથી મોટી પાર્ટી બની છે. ટીવીકેએ 108 બેઠકો જીતી છે, જ્યારે ડીએમકેએ 59 બેઠકો અને એઆઈએડીએમકેએ 47 બેઠકો મેળવી છે. કોંગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી છે. પરિણામો બાદ તમિલનાડુના રાજકારણમાં નવા યુગની શરૂઆત તરીકે આ જીતને જોવામાં આવી રહી છે.
વિજય સાથે આજે નવ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં વેંકટરામન, રાજ મોહન, અરુણ રાજ, આનંદ, અદ્વ અર્જુન, સેંગોટ્ટૈયન, નિર્મલ કુમાર અને પ્રભુ સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી સરકાર વિકાસ, રોજગાર, યુવાનો માટેની યોજનાઓ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના વચનો સાથે કાર્યભાર સંભાળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિજયના મુખ્યમંત્રી બનતા તેમના સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ફિલ્મ જગતમાંથી રાજકારણમાં આવ્યા બાદ વિજયે ખૂબ જ ઓછા સમયમાં મોટી રાજકીય સફળતા મેળવી છે, જેને તમિલનાડુના રાજકારણમાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.













Leave a Reply