તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે અભિનેતા વિજયના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન કોંગ્રેસ નેતા Rahul Gandhi અને વિજયની મુલાકાતની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને દેશભરમાં મોટો રાજકીય વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે લોકપ્રિય બની રહેલી આ પોસ્ટને જાણીજોઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બ્લોક કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર સરકારે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
ચેન્નાઈમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા અને તેમણે અભિનેતા-રાજનેતા વિજય સાથેની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગઈ હતી અને લાખો લોકો સુધી પહોંચી હતી. જોકે, થોડા જ સમય બાદ ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ અને રીલ અચાનક બ્લોક થઈ જતા રાજકીય ગરમાવો વધી ગયો હતો. વિવાદ વધતા હવે આ પોસ્ટ ફરીથી રિસ્ટોર કરવામાં આવી છે.
કોંગ્રેસે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીના સહયોગી શ્રીવત્સે દાવો કર્યો હતો કે માત્ર એક કલાકમાં જ આ રીલને 1.2 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા, જ્યારે ફોટો પોસ્ટ 4.6 કરોડથી વધુ લોકો સુધી પહોંચી ગઈ હતી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પોસ્ટની આટલી મોટી લોકપ્રિયતા બાદ કોઈ કારણ આપ્યા વગર તેને બ્લોક કરી દેવામાં આવી હતી.
કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો કે આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ લાંબા સમયથી રાહુલ ગાંધીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પહોંચને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પાર્ટીના નેતાઓના મતે, X, યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર વિપક્ષના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને “વિપક્ષના અવાજને દબાવવાનો સુનિયોજિત પ્રયાસ” ગણાવ્યો છે.
કેરળ કોંગ્રેસે પણ આ મામલે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ જણાવ્યું કે જ્યારે પણ બે લોકપ્રિય નેતાઓની મુલાકાત લોકોમાં ભારે ચર્ચાનો વિષય બને છે, ત્યારે “ટેકનિકલ ખામી”ના નામે પોસ્ટને રોકી દેવી એ સત્તાનો દુરુપયોગ છે. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો કે સરકાર મુખ્યધારાના મીડિયા પર નિયંત્રણ રાખી શકે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોનો મળતો પ્રતિસાદ તેને અસ્વસ્થ કરી રહ્યો છે.
બીજી તરફ, ભારત સરકારના આઈટી મંત્રાલયે કોંગ્રેસના તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, પોસ્ટ બ્લોક થવા પાછળ સરકારની કોઈ ભૂમિકા નહોતી. ઇન્સ્ટાગ્રામની આંતરિક સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીના કારણે પોસ્ટ ભૂલથી ફ્લેગ થઈ ગઈ હતી. સરકારનું કહેવું છે કે આ માત્ર એક સામાન્ય ટેકનિકલ ભૂલ હતી અને હવે તેને સુધારી લેવામાં આવી છે.
આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાજકીય દબાણ અને ડિજિટલ પ્લેટફોર્મની પારદર્શકતાને લઈને નવી ચર્ચા શરૂ કરી છે.













Leave a Reply