Yes TV

News Website

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો
Views 34

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવપૂર્ણ સંઘર્ષની અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટ અને અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંદાજ મુજબ આ યુદ્ધના કારણે આ બંને શહેરોના એન્જિનિયરિંગ સેક્ટરને ઓછામાં ઓછો રૂ. 750 કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. ગુજરાતમાંથી દર વર્ષે આશરે 14.75 અબજ ડોલરના એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસ થાય છે, જેમાં અમદાવાદ અને રાજકોટનો મોટો ફાળો છે.

અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગોમાં મુખ્યત્વે ટેક્સટાઇલ મશીનરી, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટેની મશીનરી, ઇલેક્ટ્રિકલ મશીનરી તેમજ ઇન્ડસ્ટ્રીયલ બોઈલર્સ અને કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણોનું ઉત્પાદન થાય છે. પરંતુ હાલના યુદ્ધના કારણે મધ્ય પૂર્વના વેપાર માર્ગો અને એર-સી રૂટ્સ પર અસર થતાં આ ઉત્પાદનોની નિકાસમાં અવરોધ ઉભા થયા છે.

રાજકોટનો એન્જિનિયરિંગ ક્લસ્ટર પણ આ સંજોગોમાં ગંભીર અસર હેઠળ છે. અહીં ડીઝલ એન્જિન, સબમર્સિબલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ પંપ, બેરિંગ્સ, ઓટો પાર્ટ્સ, CNC મશીનના ભાગો, કાસ્ટિંગ-ફોર્જિંગ ઉત્પાદનો, રસોડામાં વપરાતા ધાતુના સાધનો તેમજ ઘડિયાળના પાર્ટ્સનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનો મુખ્યત્વે યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

મધ્ય પૂર્વમાં તણાવ વધતા ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જેના કારણે એન્જિનિયરિંગ ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે. કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રી અને મશીન મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં કાચા માલની કિંમત વધી છે. સાથે જ વીજળી અને પરિવહન ખર્ચ પણ વધી રહ્યો છે. મશીનરી બનાવવામાં ઉપયોગી લોખંડ-સ્ટીલ, તાંબા અને એલ્યુમિનિયમના ભંગારની આયાત વધુ મોંઘી બની ગઈ છે.

નિકાસ માટેનો મુખ્ય શિપિંગ રૂટ સામાન્ય રીતે દુબઈના જેબલ અલી પોર્ટ અને મધ્ય પૂર્વના અન્ય હબ્સ મારફતે પસાર થાય છે. પરંતુ હાલના તણાવના કારણે હોર્મુઝની સામુદ્રધૂની પર અનિશ્ચિતતા સર્જાઈ છે, જેના કારણે શિપિંગમાં વિલંબ અને વીમાના પ્રીમિયમમાં વધારો થયો છે. નિકાસકારોને હવે કન્સાઈનમેન્ટ અન્ય વિકલ્પ રૂટથી મોકલવા પડે છે, જેના કારણે ખર્ચ વધુ વધી રહ્યો છે.

ગુજરાતના એન્જિનિયરિંગ ઉદ્યોગોની કુલ નિકાસ આશરે 10થી 12 અબજ ડોલર જેટલી ગણાય છે. રાજકોટમાંથી દર વર્ષે અંદાજે રૂ. 300 કરોડના ડીઝલ એન્જિન, રૂ. 65 કરોડના મશીન ટૂલ્સ, રૂ. 230 કરોડના બેરિંગ્સ, રૂ. 375 કરોડના ફાઉન્ડ્રી ઉત્પાદનો તેમજ રૂ. 60 કરોડના પમ્પ મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોમાં નિકાસ થાય છે.

આ નિકાસ મુખ્યત્વે સાઉદી અરેબિયા, નાઈજિરિયા, ઈજીપ્ત, કેન્યા, ઓમાન, કતાર, કુવૈત અને યુનાઈટેડ આરબ અમિરાત જેવા દેશોમાં થાય છે. ઉપરાંત રાજકોટમાંથી દર વર્ષે આશરે રૂ. 400 કરોડથી વધુના ઓટો પાર્ટ્સ પણ મધ્ય પૂર્વ, અખાત દેશો અને યુરોપિયન સંઘના દેશોમાં મોકલવામાં આવે છે.

પરંતુ હાલની પરિસ્થિતિમાં કાચા માલની આયાત મોંઘી થવી, શિપિંગમાં વિલંબ અને નિકાસ ખર્ચમાં વધારો થવાને કારણે સમગ્ર એન્જિનિયરિંગ ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. જો યુદ્ધ વધુ સમય સુધી ચાલે તો તૈયાર કરેલી મશીનરી અને અન્ય ઉત્પાદનોને સમયસર ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં વધુ વિલંબ થવાની શક્યતા છે, જેના કારણે ઉદ્યોગકારો પર આર્થિક બોજ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *