વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત વેરાવળ પીપલ્સ બેંક પ્રાર્થના હોલ ખાતે લોક જાગૃતિ મંચના ઉપક્રમે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા સન્માનના ઉજવણીના ભાગરૂપે “નારી તું નારાયણી” કાર્યક્રમ ઉત્સવરૂપે ઉત્સાહભેર ઉજવાયો હતો.
આ પ્રસંગે માનવંતા મહેમાનો તરીકે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની, પીપલ્સ બેંકના ડિરેક્ટર અને કાઉન્સિલર ભારતીબેન ચંદ્રાણી, લેડીસ ક્લબના પ્રમુખ રીટાબેન વિઠલાણી, લોહાણા મહિલા મંડળના પ્રમુખ બિન્દુબેન ચંદ્રાણી, સરકારી વિજ્ઞાન કોલેજ ના આચાર્ય ડૉ.સ્મિતાબેન છગ, ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ નિર્મળાબેન ડોડીયા, મહિલા કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ.ઉમાબેન વૈષ્ણવ અને નગરપાલિકા કાઉન્સિલર દિક્ષિતાબેન અઢિયા ઉપસ્થિત રહ્યા હતા. લોક જાગૃતિ મંચના પ્રમુખની લાગણી અનુસાર સૌ મહેમાનોનું સ્વાગત અને સન્માન પુષ્પ અને પુસ્તકથી કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનો-મહિલાઓ દ્વારા જ કરવામા આવેલ. કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામા આવેલ.
લોક જાગૃતિ મંચના પ્રમુખ શ્રી કિરીટભાઇ ઉનડકટે શાબ્દિક સ્વાગત સાથે સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિની વિગતો તેમજ આ કાર્યક્રમનો ઉદેશ્ય અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
ત્યારબાદ પ્રશ્નોતરીનો દોર શરૂ થયો હતો. જેમા ઉપસ્થિત મહિલાઓમાથી ૪૦થી વધુ બહેનોએ રસ પૂર્વક ભાગ લીધો હતો જેમાંથી ૨૦ થી વધુ મહિલાઓને પ્રોત્સાહનરૂપે પુરસ્કાર એનાયત કરવામા આવ્યા હતા. પ્રશ્નોતરીના આ સેસનના નિષ્કર્ષરૂપે બિન્દુબેન ચંદ્રાણીએ પોતાની લાક્ષણિક શૈલીના વક્તવ્યથી પ્રશ્નોના કેટલાક સુંદર પૂરક જવાબો અને સમસ્યાઓના ઉકેલ આપ્યા હતા. ઉમાબેન વૈષ્ણવે સ્ત્રીના પ્રશ્નો માટે સ્ત્રીઓ જ જવાબદાર બનતી આવી છે માટે સ્ત્રીઓએ જ સૌએ એક બીજાના પૂરક બની આગળ વધવું પડશે તેવી શીખ આપી હતી જ્યારે સ્મિતાબેને કેટલીક બાબતોમાં સ્ત્રીઓએ મજબુત બનવા અને રહેવા શીખવ્યું હતું.
ત્યારબાદ લક્કી ડ્રો દ્વારા પણ ઉપસ્થિત મહિલાઓમાથી વિજેતાઓને પુરસ્કાર આપવામા આવ્યા હતા. આજના કાર્યક્રમના તમામ પુરસ્કાર કાકા સેન્ડવિચ વતી આપણા પૂર્વ પ્રમુખ શ્રી દીપકભાઇ ટીલાવત તરફથી સ્પોન્સર્ડ કરવામા આવ્યા હતા જેની સૌએ સહર્ષ નોંધ લીધી હતી.
કાર્યક્રમનું સફળતાપૂર્વકનું સંચાલન અને તેના માટેનું હોમ વર્ક પારૂલબેન શાહ અને જશમાબેન ઠક્કરે સાથે મળીને ખુબ સુંદર રીતે કર્યું હતું.
સંસ્થાના પ્રમુખ શ્રી કિરીટભાઇ ઉનડકટની સતત દેખરેખ અને સચોટ માર્ગદર્શન હેઠળ સર્વે સભ્યોએ કાર્યક્રમની વ્યવસ્થાઓમા ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. આજના કાર્યક્રમમા ઉપપ્રમુખ ભાવેશ મહેતા, સેક્રેટરી કિરીટ જાની, જોઇન્ટ સેક્રેટરી ભીખુભાઇ જેઠવા, ટ્રેઝરર શૈલેષ શેઠ તથા શ્રીમતી મીનાબેન શેઠ, પરેશ તન્ના તથા શ્રીમતી તન્ના, મહેન્દ્ર ધાનક તથા શ્રીમતી ધાનક, ડૉ.નરેન્દ્ર ટહેલરામાણી તેમજ અનિલભાઇ જી.પુરોહિત તેમજ અશ્વિનાબેન શાહ(બીપીનભાઇ શાહના ધર્મપત્ની)ઉપસ્થિત રહી કાર્યક્રમમા ઉપયોગી થયા હતા.















Leave a Reply