Yes TV

News Website

સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું

સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું
Views 28

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં આવેલી પોસ્ટ ઓફિસો અને પાસપોર્ટ ઓફિસોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. તેના પગલે પોલીસ દ્વારા એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરાયું હતું. જોકે તમામ સ્થળોએ તપાસ કર્યા બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, તેથી આ ધમકી પોકળ હોવાનું સામે આવ્યું. આ પહેલાં પણ આશરે ૧૨ દિવસ પહેલાં આવી જ પ્રકારની ધમકી આપવામાં આવી હતી.

ગયા ૨૭ ફેબ્રુઆરીએ અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રભરની પોસ્ટ ઓફિસો અને પાસપોર્ટ ઓફિસોમાં તપાસ કરવામાં આવી હતી. હવે સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને આવી જ ધમકી મળતાં ફરી એકવાર સાવચેતીરૂપે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસ અને હરિહર ચોકની હેડ પોસ્ટ ઓફિસ ખાતે એ-ડિવિઝન પોલીસ સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમો પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગની મદદથી ઓફિસના દરેક ખૂણા તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું.

જૂનાગઢમાં એસઓજી, બોમ્બ-ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગાંધીગ્રામ ચોકની પોસ્ટ ઓફિસે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવાઈ હતી, જેના કારણે કર્મચારીઓ અને અરજદારોને થોડા સમય માટે બહાર રહેવું પડ્યું હતું. લગભગ દોઢથી બે કલાક સુધી ચાલેલી તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ ન મળતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. વારંવાર આવી ખોટી ધમકીઓ આપનાર શખ્સ હજુ સુધી પોલીસના હાથે લાગ્યો નથી, જેને કારણે પોલીસની સાયબર તપાસ ક્ષમતાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં જ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત હોવાથી ત્યાં પણ પોલીસ દ્વારા કચેરી ખાલી કરાવી તપાસ કરવામાં આવી હતી. પોલીસની ભારે હાજરીને કારણે ગ્રાહકો અને કર્મચારીઓમાં થોડી ગભરાટની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ લાંબી તપાસ બાદ કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી.

જામનગરની ચાંદી બજારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પાર્સલોમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી આપવામાં આવી હોવાથી તમામ પાર્સલોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તપાસ કરતાં અરજદારોને થોડો સમય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મોરબીના પરાબજારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ સ્થાનિક પોલીસે પહોંચીને કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. અહીં પણ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *