કાળઝાળ ગરમી માટે ઓળખાતા અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ મહિનાના પહેલા પખવાડિયામાં જ તાપમાનનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતાં તેની અસર માત્ર જનજીવન પર જ નહીં પરંતુ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ દેખાઈ રહી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં તાજેતરમાં બનેલો નવો રોડ ગરમીના કારણે પીગળવા લાગતાં કોર્પોરેશનની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ખોખરા વોર્ડના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજ મંદિર સુધી આશરે પોણો કિલોમીટર લાંબા માર્ગ પર બે મહિના પહેલા જ ડામરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. માર્ગને વધુ મજબૂત અને સમતળ બનાવવા માટે તેના પર ખાસ પ્રકારનું ડામરનું પડ પાથરવામાં આવ્યું હતું. પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં વધારો થતા ડામર પીગળી સપાટી પર આવવા લાગ્યું છે, જેના કારણે નવો રોડ હાલ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે.
ગરમીના પ્રભાવને કારણે રોડ પર ચાલતા રાહદારીઓના ચંપલ પણ પીગળેલા ડામર સાથે ચોંટી જવાની ઘટના બની રહી છે. સાથે જ રસ્તા પર ઉડતી ધૂળ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો પણ આ ડામર પર ચોંટી જતા માર્ગ વધુ બિસ્માર દેખાવા લાગ્યો છે. લપસણો બનેલા રસ્તા પર વાહનચાલકોને પણ વાહન હાંકવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સામાન્ય રીતે આવી સ્થિતિ મે મહિનાની કાળઝાળ ગરમી દરમિયાન જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચની શરૂઆતમાં જ ડામર પીગળવા લાગતાં લોકો આશ્ચર્યમાં મુકાયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વધતી ગરમીની સાથે માર્ગ નિર્માણમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. જો હાલ જ આવી સ્થિતિ સર્જાઈ રહી હોય તો એપ્રિલ અને મે મહિનામાં શહેરના રસ્તાઓની સ્થિતિ કેવી રહેશે તે અંગે લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે.














Leave a Reply