મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈઝરાયલ-ઈરાન સંઘર્ષની અસર હવે ગુજરાતના ઉદ્યોગો અને દૈનિક જીવન પર જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં અછત સર્જાતા હોટલ-રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ, પ્રોપેન ગેસની સપ્લાયમાં ઘટાડો થવાથી સિરામીક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે.
મહેસાણા સહિતના કેટલાક ડેરી પ્લાન્ટમાં ગેસ પુરવઠામાં આશરે 40 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. દૂધ પ્રોસેસિંગ માટે ગેસ જરૂરી હોવાથી ડેરી સંસ્થાઓ વિકલ્પ વ્યવસ્થાની તૈયારી કરી રહી છે. જો ગેસની અછત વધુ વધી જાય તો ડેરી પ્લાન્ટ તાત્કાલિક બંધ કરવાની સ્થિતિ પણ ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં મિલ્ક પાવડરનું ઉત્પાદન ઘટી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ અને ખાણીપીણીના વ્યવસાયકારોમાં ચિંતા વધી છે. ગેસ સિલિન્ડર બુકિંગમાં સમય વધતા સામાન્ય લોકોમાં પણ ભવિષ્યમાં રાંધણ ગેસ ઉપલબ્ધ ન રહેવાની ભીતિ જોવા મળી રહી છે.
આ તરફ, પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવાથી મોરબીના સિરામીક ઉદ્યોગ પર મોટો અસરકારક પ્રહાર થયો છે. માત્ર મોરબીમાં જ 100થી વધુ સિરામીક ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પ્રોપેન ગેસનો ઉપયોગ કરતી ફેક્ટરીઓને એક મહિના માટે ઉત્પાદન બંધ રાખવા અંગે અભિપ્રાય માગ્યો છે.
ગેસની અછત અંગે સિરામીક ઉદ્યોગકારો ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. બીજી તરફ, શાપર-વેરાવળના ઉદ્યોગકારોએ પણ સરકારને જણાવ્યું હતું કે કાસ્ટિંગ અને ફોર્જિંગ જેવા ગેસ આધારિત ઉદ્યોગો મુશ્કેલીમાં છે. જો ગેસ પુરવઠામાં વધુ ઘટાડો થશે તો 600થી વધુ એકમો બંધ કરવાની ફરજ પડી શકે છે. જેના કારણે ઉદ્યોગોને મોટો આર્થિક ફટકો પડશે અને હજારો કામદારોની રોજગાર પર પણ અસર પડશે.














Leave a Reply