બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક ગુરુવારે મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 6 મુસાફરો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
માહિતી મુજબ, ખાનગી ટ્રાવેલ્સની આ બસ રાજસ્થાનના જેસલમેરથી લગ્ન પ્રસંગ પૂરો કરીને મુસાફરોને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી. 12મી માર્ચની મોડી રાત્રે બસ નેનાવા ગામ નજીક પહોંચી ત્યારે અચાનક તેમાં આગ ભભૂકી ઊઠી. રાત્રિનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા, જેના કારણે શરૂઆતમાં કોઈને ઘટનાની ખબર પડી નહોતી. થોડી જ વારમાં આગ આખી બસમાં ફેલાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી.
બસમાં ધુમાડો અને જ્વાળાઓ ફેલાતા મુસાફરો ગભરાઈ ગયા હતા. દરવાજા પાસે આગ વધુ હોવાથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જીવ બચાવવા માટે કેટલાક મુસાફરોએ બસની બારીઓના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા. આ ગભરાટ અને નાસભાગ દરમિયાન એક મુસાફર આગની લપેટમાં આવી ગયો હતો અને બસની અંદર જ તેનું દુર્ભાગ્યપૂર્ણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને 108 ઇમરજન્સી ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. દાઝી ગયેલા 6 મુસાફરોને તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.














Leave a Reply