નવી દિલ્હી : મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધ હાલ બંધ થવાની કોઈ શક્યતા દેખાતી નથી. આ સંજોગોની અસર હવે ભારતના લોકોના રસોડા અને ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં રાંધણ ગેસનો પૂરતો જથ્થો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, છતાં અનેક શહેરોમાં એલપીજી માટે અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં લોકો ઘરેલુ ગેસ માટે લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જ્યારે કમર્શિયલ એલપીજીના અભાવે હોટેલ અને રેસ્ટોરાં પર પણ અસર પડી રહી છે.
માહિતી મુજબ, એલપીજીની અછતને કારણે કેટલાક હોટેલો અને રેસ્ટોરાં બંધ થવાની સ્થિતિમાં છે. પરિણામે હોટેલ-રેસ્ટોરાંમાં કોલસાનો ઉપયોગ શરૂ થયો છે, જ્યારે ઘરેલુ વપરાશમાં લોકો ફરી કેરોસીન તરફ વળતા જોવા મળે છે. ઘણા લોકો હવે રસોઈ બનાવવા માટે ચૂલા-સ્ટવ જેવી જૂની પદ્ધતિઓ અથવા ઇલેક્ટ્રિક સાધનોનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે.
આ દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF) અને ફ્યુઅલ ઓઈલની કોઈ અછત નથી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે દેશભરના પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈન સામાન્ય રીતે કાર્યરત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગેસની અછતને વૈકલ્પિક ખરીદી દ્વારા ઘણી હદ સુધી પૂરી કરવામાં આવી રહી છે. મોટા એલએનજી કાર્ગો વૈકલ્પિક સપ્લાય રૂટ મારફતે નિયમિત રીતે ભારતમાં આવી રહ્યા છે, જેના કારણે ગેસની ઉપલબ્ધતા જાળવવામાં મદદ મળી રહી છે. સરકારે રિફાઈનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા માટે સૂચના આપતાં દેશમાં એલપીજી ઉત્પાદનમાં લગભગ ૨૮ ટકા વધારો થયો છે.
કમર્શિયલ એલપીજીની અછતને પહોંચી વળવા માટે હોટેલો અને રેસ્ટોરાંને કોલસા અને બાયો-ફ્યુઅલનો તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત રાજ્યોને વધારાના ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીનનો જથ્થો પણ ફાળવવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકારી તેલ કંપનીઓ રાજ્યોને ત્રણ મહિને લગભગ એક લાખ કિલોલીટર કેરોસીન પૂરું પાડે છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.
હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઘણા લોકો ગભરાટના કારણે જરૂરીયાત કરતાં વધુ એલપીજી સિલિન્ડર ખરીદી રહ્યા છે. સરકારે શહેરોમાં એલપીજી સિલિન્ડર બુકિંગ માટે ૨૫ દિવસનો સમયગાળો નક્કી કર્યો છે અને બુકિંગ બાદ અંદાજે અઢી દિવસમાં ૧૪.૨ કિલોનો સિલિન્ડર પહોંચાડવાના નિર્દેશો આપ્યા છે. જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં આ સમયગાળો ૪૫ દિવસ રાખવામાં આવ્યો છે.
બીજી તરફ, લોકોમાં અછતનો ભય ફેલાતા કાળાબજાર પણ વધ્યો છે. ચા-નાસ્તાના સ્ટોલ અને નાના વેપારીઓ તેમજ રેસ્ટોરાંના માલિકો એલપીજી સિલિન્ડર રૂ. ૪,૦૦૦થી ૫,૦૦૦ સુધીની કિંમતે ખરીદી રહ્યા છે. ગેસ મોંઘો મળતા ચા અને નાસ્તાના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
દેશમાં ગેસની તંગી વચ્ચે સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (ગેઈલ)એ બેંગ્લુરુના યેલહાંકા સ્થિત ગેસ આધારિત પાવર પ્લાન્ટને પ્રાકૃતિક ગેસનો પુરવઠો બંધ કરી દીધો છે. ઊર્જા મંત્રાલયે પણ આ વાતની પુષ્ટી કરી છે. કર્ણાટકના આ એકમાત્ર ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં ગેસ સપ્લાય બંધ થતાં વીજ ઉત્પાદન પર અસર પડી શકે છે. તેના કારણે બેંગ્લુરુમાં વીજ પુરવઠા પર પણ અસર થવાની શક્યતા છે અને શહેરમાં અંધારપટનું જોખમ ઊભું થયું છે.
સરકારે પ્રાકૃતિક ગેસના વિતરણમાં પ્રાથમિકતાઓ નક્કી કરી છે, જેમાં એલપીજી, સીએનજી અને પીએનજીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે વીજ ઉત્પાદન ક્ષેત્રને યાદીમાં સૌથી છેલ્લે સ્થાન આપવામાં આવ્યું છે. આ કારણે યેલહાંકા પાવર પ્લાન્ટને ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે.














Leave a Reply