ન્યાયતંત્રમાં પડતર કેસોની સંખ્યા સતત વધતી જતાં સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં આશરે 1.74 લાખ કેસો અને નીચલી અદાલતોમાં લગભગ 19.67 લાખ કેસો ચુકાદાની રાહમાં છે. દેશભરની હાઈકોર્ટોમાં કુલ મળીને લગભગ 63.61 લાખ કેસો પેન્ડિંગ છે, જ્યારે સુપ્રીમ કોર્ટમાં 82,755 જેટલા કેસો હજુ નિરાકરણની રાહ જોઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, કોર્ટોમાં મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ રહેવા પાછળ માત્ર અદાલતો જ જવાબદાર નથી, પરંતુ સ્ટાફની અછત, પ્રક્રિયાત્મક વિલંબ તેમજ અન્ય સંબંધિત પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઉપરાંત, નીચલી અદાલતોમાં નોંધાતા કેસોની સંખ્યા રાજ્યમાં ગુનાખોરીના પ્રમાણ અને અન્ય સામાજિક પરિસ્થિતિઓ પર પણ નિર્ભર રહે છે.
9 માર્ચ સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં 1,16,691 સિવિલ કેસ અને 57,849 ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. દેશના અન્ય હાઈકોર્ટોની વાત કરીએ તો અલ્હાબાદ હાઈકોર્ટમાં સૌથી વધુ 11.93 લાખ કેસો બાકી છે. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટમાં 6.71 લાખ અને બોમ્બે હાઈકોર્ટમાં 6.62 લાખ કેસો ચુકાદાની રાહમાં છે.
ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટોમાં પણ મોટી સંખ્યામાં કેસો પેન્ડિંગ છે. ગુજરાતમાં આવી અદાલતોમાં 3,25,786 સિવિલ કેસ અને 16,41,937 ક્રિમિનલ કેસો બાકી છે. ગુજરાત હાઈકોર્ટ તેમજ નીચલી અદાલતોમાં કેટલાક કેસો તો વર્ષોથી ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.
પડતર કેસોના નિકાલ અને અદાલતો પર વધતા ભારને ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા સમયાંતરે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. છતાં પણ નવા કેસોની સંખ્યા સતત વધતા રહેતાં અદાલતો પરનું ભારણ ઘટાડવું હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે.














Leave a Reply