રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ પોતાની લાંબા સમયથી બાકી રહેલી માંગણીઓ અંગે સરકાર સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ મુદ્દાઓના ઉકેલ માટે અત્યાર સુધી રાજ્ય સરકાર સાથે અંદાજે 27 બેઠકો યોજાઈ ચૂકી છે, છતાં પગાર વધારા સહિતના મહત્વના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી. પરિણામે, રાજ્યભરની એક લાખથી વધુ આંગણવાડી બહેનોએ 18મી તારીખથી ત્રણ દિવસ સુધી કામકાજથી દૂર રહી હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
લાંબા સમયથી ચાલતા વિરોધ પ્રદર્શન છતાં સરકારનું વલણ યથાવત રહ્યું છે. ગત 10 માર્ચ, 2025ના રોજ મુખ્યમંત્રીએ આ મુદ્દે આશ્વાસન આપ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ સ્પષ્ટ પગલું લેવામાં આવ્યું નથી.
આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને સન્માનજનક વેતન આપવું, ડિજિટલ કામ સરળ બનાવવા માટે નવા મોબાઇલ ફોન આપવું, નિવૃત્તિ વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવી અને મોબાઇલ એપ્લિકેશન બંધ કરવાની માંગ સામેલ છે. સાથે જ આહાર તથા અન્ય ખર્ચના બિલોનું સમયસર ચુકવણું થાય અને એડવાન્સ રકમની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ છે, જેથી તેમને પોતાનાં ખિસ્સામાંથી ખર્ચ ન કરવો પડે.
વર્ષ 2018માં કેન્દ્ર સરકાર અને 2022માં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ન્યૂનતમ પગાર વધારા બાદ અત્યાર સુધી કોઈ વધારો થયો નથી. હાઈકોર્ટના આદેશોનું પણ પાલન થતું નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અન્ય સરકારી કર્મચારીઓના પગારમાં નિયમિત વધારો થતો હોવા છતાં આંગણવાડી બહેનોના કામના બોજમાં જ વધારો થયો છે, જેના કારણે વધતી મોંઘવારીમાં જીવન જીવવું મુશ્કેલ બન્યું છે.
આ પરિસ્થિતિમાં, આંગણવાડી બહેનો રજા રિપોર્ટ આપી અને સ્થાનિક અધિકારીઓને આવેદનપત્ર સોંપીને હડતાળ પર ઉતરશે.














Leave a Reply