સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે એક ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આગ દરમિયાન બે LPG ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે ફાટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, રચના સર્કલ નજીક આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ઇમારતને પોતાની લપેટમાં લઈ લીધી. તે સમયે કારખાનામાં અનેક કામદારો હાજર હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ઇમારતમાં રહેલા બે ગેસ સિલિન્ડર ફાટી જતા નુકસાન અને જાનહાનિ વધી ગઈ.
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે 7 અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી 10થી વધુ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. ભારે મહેનત બાદ ફાયર જવાનોએ અંદર ફસાયેલા 8થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વિસ્ફોટ અને આગના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે આશરે 9 કામદારોને ઈજાઓ થતાં તેમને તરત નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં બે ગેસ સિલિન્ડર ફાટ્યાની પુષ્ટિ થઈ છે, જેના કારણે વિસ્ફોટ વધુ ભયાનક બન્યો હતો. જોકે, આગ લાગવાનું મૂળ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.














Leave a Reply