અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામમાં રવિવારે ક્રિકેટ રમતા બે જૂથો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી હિંસક બની ગઈ હતી. બંને પક્ષોમાં વિવાદ વધતા એકબીજા સામે આવી ગયા હતા અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
માહિતી મુજબ, એક જ સમુદાયના યુવકો વચ્ચે રમત દરમિયાન થયેલી નાની તકરાર મોટો ઝઘડો બની ગઈ. આ દરમિયાન ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણે પોતાના પાસે રહેલા હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગથી ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ધોળકા ડિવિઝનના DySP, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને LCBની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
આ મામલે ભોગ બનનાર પક્ષે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પાસે રહેલા હથિયારનું લાયસન્સ માન્ય છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. જો લાયસન્સ હશે તો જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવા બદલ કાનૂની કાર્યવાહી અને લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે હથિયાર ગેરકાયદે હોવાનું બહાર આવશે તો તેની મૂળ ખબર મેળવવા તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત માટે કાર્યવાહી તેજ કરી છે.














Leave a Reply