અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાના બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાઈનો લાગેલી જોવા મળી હતી. શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ સવારે ખુલે તે પહેલા જ પંપની બહાર મોટી સંખ્યામાં વાહનો ખડકાઈ ગયા હતા. આમ, બીજા દિવસની શરૂઆત પણ અફરાતફરી સાથે જ થઈ હતી. સરકારે અફવાને અવગણવા અનેક જાહેરાત કરી હોવા છતાં લોકો પર તેની કોઈ અસર જોવા મળી નહોતી અને સવારથી જ વાહનો સાથે લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા. આ સ્થિતિ સમગ્ર દિવસ જોવા મળી હતી. જોકે, પ્રથમ દિવસની સરખામણીમાં લાઈનો ઘટી હતી, પરંતુ મોટી સંખ્યામાં લોકોની ભીડ પેટ્રોલ પંપ જોવા મળી હતી.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવા ફેલાતાની સાથે જ લોકો પેટ્રોલ પંપ પર વાહનો લઈને દોડવા લાગ્યા હતા અને અમદાવાદ સહિત રાજ્યના દરેક શહેરોના પેટ્રોલ પંપો પર ઈંધણ પુરાવવા લાંબી લાઈનો લાગી હતી. આમ, ઈંધણ માટે લોકોની અફરાતફરીને જોતા સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ઈંધણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી લોકોએ અફવા પ્રત્યે ધ્યાન આપવું નહીં અને પેનિક બાયિંગ કરવાનું ટાળવું. આમ છતાં બીજા દિવસે વહેલી સવારથી જ પેટ્રોલ પંપો પર સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી. વહેલી સવારે પેટ્રોલ પંપ શરૂ થવાના સમય પહેલા જ પંપની બહાર લોકો વાહનો લઈને લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. જેના પગલે સવારના 6 વાગ્યાથી જ પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો જોવા મળી હતી.
ત્યારબાદ પેટ્રોલ પંપ શરૂ થયા પછી લાઈનો વધવા લાગી હતી અને લોકો પણ એક પેટ્રોલ પંપ પરથી બીજા પેટ્રોલ પંપ પર ચક્કર મારતા નજરે પડતા હતા. સમગ્ર દિવસ દરમિયાન શહેરના તમામ પેટ્રોલ પંપ પર આ જ સ્થિતિ રહી હતી. જોકે, પ્રથમ દિવસની સરખામણીમાં ભીડ થોડી ઓછી થઈ હોય તેમ જણાતું હતું, પરંતુ તેનાથી સ્થિતિમાં ઝાઝો ફેર પડ્યો હોય તેમ લાગતું નહોતું. મોડી રાત સુધી પેટ્રોલ પંપો પર વાહનોની ભીડ યથાવત રહેવા પામી હતી.
વાહનો સિવાય અન્ય પાત્રમાં ઇંધણ વેચાણ પર પ્રતિબંધ
રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવાને કારણે કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની પેનિક બાયિંગ શરૂ થતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મહત્ત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછત નથી. તમામ મુખ્ય ડેપો અને રિફાઇનરીઓ દ્વારા પેટ્રોલ પંપોને નિયમિત રીતે ઇંધણ પુરવઠો કરવામાં આવી રહ્યો છે. અફવાઓને કારણે લોકો અનાવશ્યક રીતે વધારે ઇંધણ ખરીદી રહ્યા છે, જેના કારણે કેટલીક જગ્યાએ તાત્કાલિક દબાણ ઊભું થઈ રહ્યું છે. આવી સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે રાજ્યના તમામ પેટ્રોલ પંપોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ માત્ર વાહનોની ટાંકીમાં જ પેટ્રોલ અને ડીઝલ ભરે. બેરલ, ડબ્બા કે અન્ય કોઈ પાત્રમાં ઇંધણ વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોઈ પણ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો કે સંગ્રહખોરીનો પ્રયાસ કરશે તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. વિભાગે જિલ્લા કલેક્ટર, પુરવઠા અધિકારીઓ અને તેલ કંપનીઓને પણ પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને પૂરતો પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે.
પેટ્રોલ પંપ પર સ્ટોક મોડો આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
અમદાવાદ શહેરના પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાઈનો લાગ્યા બાદ ઘણા પેટ્રોલ પંપ પોતાના નિયત સમયે શરૂ થઈ શક્યા નહોતા. જેના પગલે સ્થિતિ વધુ વણસે તેમ લાગતું હતું. સોમવારે શહેરના લગભગ તમામ પેટ્રોલ પંપોનો જથ્થો ખલાસ થયા બાદ મંગળવાર માટેનો જથ્થો મગાવવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના પેટ્રોલ પંપ પર રાત સુધીમાં જથ્થો આવી ગયો હતો, પરંતુ ઘણા પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો સ્ટોક આવતા વાર લાગી હતી. જેના પગલે આ પેટ્રોલ પંપ સવારના 8 વાગ્યા સુધી શરૂ થઈ શક્યા નહોતા. જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી અને તેઓ અન્ય પેટ્રોલ પંપ પર દોડી ગયા હતા. જોકે, 8 વાગ્યાની આસપાસ આ પેટ્રોલ પંપોને પણ સ્ટોક મળી ગયો હોઈ તેમણે પણ વેચાણ શરૂ કર્યું હતું.













Leave a Reply