અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિ યાત્રા દરમિયાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મહેસાણાથી ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર મંદિર સુધી પગપાળા જઈ રહેલા ભક્તોમાંથી બે પદયાત્રીઓને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજા એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
માહિતી મુજબ, માઈભક્તોનો એક સંઘ માતાજીનો રથ લઈને દર્શન માટે જઈ રહ્યો હતો. જ્યારે તેઓ બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક ઝડપી ગતિએ આવતા વાહને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસાન બાદ સ્થળ પર હાહાકાર મચી ગયો હતો. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને ઇજાગ્રસ્તોને બગોદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એક પદયાત્રીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં બીજા ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.













Leave a Reply