ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણના નામે ઠગ ટોળકીએ ખેતીકામ કરતા આધેડને એપીકે ફાઈલ મોકલીને રૂપિયા 14.05 લાખની ઠગાઈ આચરી છે. ગઠિયાઓએ પહેલા ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને આધેડનો ફોન હેક કર્યો હતો. બાદમાં આધેડનો મોબાઈલ અને વોટ્સએપ હેક કરીને ચાર વોટ્સએપ ગ્રૂપ બનાવીને ભોગ બનનારના સંબંધીઓને આ એપીકે ફાઇલ ફોરવર્ડ કરી હતી. ગઠિયાઓએ ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી 13.14 લાખનું ક્રેડિટકાર્ડનું બિલ ભરી દીધું હતું, જ્યારે 91 હજાર રૂપિયા કોઇ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આમ, કુલ 14.05 લાખના સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રામોલમાં રહેતા આધેડ ગતરાડ ગામમાં આવેલી જમીનમાં ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.28 નવેમ્બરે આધેડને અજાણ્યા વોટ્સએપ નંબર પરથી ઇ-ચલણ ભરવાની એપીકે ફાઈલ આવી હતી. જે ફાઇલની નીચે તમારું ચલણ ચેક કરવા ફાઈલ ઓપન કરો કારણ કે આજે છેલ્લી તારીખ છે તેવો મેસેજ કરવામાં આવ્યો હતો. જેથી આધેડે ઘરે બેઠા ચલણ ભરવા માટે એપીકે ફાઈલ ઓપન કરતા તે ફાઇલમાં કોઇ લખાણ નહોતું. જે બાદ તે સંબંધીના ત્યાં પ્રસંગમાં ગયા હતા ત્યારે તેમનો મોબાઈલ હેક કરીને ગઠિયાઓએ તેમના જ બેંક એકાઉન્ટમાંથી કેટલીક રકમ તેમના જ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આમ, આધેડના ખાતામાંથી એક પછી એક કુલ રૂ. 14.05 લાખ ડેબિટ થયા હતા. જેથી તે બીજા દિવસે બેંકમાં ગયા હતા અને ત્યાં તપાસ કરતા 13.14 લાખનું અલગ અલગ ક્રેડિટકાર્ડનું પેમેન્ટ થયું હોવાની જાણકારી મળી હતી. જ્યારે 91,500 રૂપિયા કોઇ ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જેથી કુલ 14.05 લાખના સાયબર ફ્રોડ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આધેડની સાથે સાથે સંબંધીઓ પણ બેંકમાં પહોંચ્યા
અલગ અલગ ટ્રાન્જેક્શન કરીને ગઠિયાઓએ કુલ રૂ.14.05 લાખની છેતરપિંડી આચરી હતી. જેથી આધેડ જ્યારે બેંકમાં ગયા ત્યારે તેમના સંબંધીઓ પણ બેંકમાં આવ્યા હતા. ત્યારે તેમને જાણ થઇ કે તેમનો ફોન હેક કરીને ગઠિયાઓએ સંબંધીઓને પણ એપીકે ફાઇલ મોકલી હતી. સાથે ગઠિયાઓએ ટ્રાફિક પોલીસના લોગો વાળા ચાર વિવિધ ગ્રૂપ બનાવ્યા હતા. તેના થકી સંબંધીઓ સાથે પણ છેતરપિંડી આચરી હોવાની શંકા સાથે પોલીસે તપાસ તેજ કરી છે.













Leave a Reply