અમદાવાદના વાડજ વિસ્તારમાં સિનિયર સિટીઝનોને નિશાન બનાવી ડરાવી-ધમકાવી નાણાં ઉઘરાવતી એક રીઢા ગુનેગારોની ટોળકીનો પોલીસે ભાંડાફોડ કર્યો છે. અકસ્માતનું બહાનું બનાવી વૃદ્ધ પાસેથી ₹1.70 લાખ પડાવનાર ત્રણ આરોપીઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, વાડજ વિસ્તારમાં એક વૃદ્ધ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમની કાર રોકી હતી. ત્યારબાદ તેઓએ વૃદ્ધ સાથે ઝઘડો શરૂ કરીને કહ્યું કે તેમના કારણે અકસ્માત થયો છે. આ બહાને તેઓએ પોલીસ કેસ કરવાની અને જેલમાં મોકલી દેવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું.
આરોપીઓએ એટલું જ નહીં, પરંતુ વૃદ્ધને બળજબરીથી બેન્કમાં લઈ જઈ તેમની પાસેથી ₹1 લાખ રોકડા કઢાવ્યા અને વધુમાં ₹70 હજારનો ચેક પણ લખાવી લીધો હતો.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
ઘટના બાદ ભોગ બનનાર વૃદ્ધે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વાડજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે માત્ર થોડા કલાકોમાં જ ગોમતીપુરના જય રાવળ, સારંગપુરના મહેશ ઉર્ફે હનુમાન ઠાકોર અને આકાશ ઠાકોરને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી વૃદ્ધ પાસેથી પડાવેલી ₹1.70 લાખની સંપૂર્ણ રકમ પરત મેળવી લીધી છે. હાલ ત્રણેય આરોપીઓ જેલમાં છે અને પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી રીતે સિનિયર સિટીઝનોને શિકાર બનાવ્યા છે કે નહીં.













Leave a Reply