અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. પેરોલ પર બહાર આવેલા એક રીઢા ગુનેગારે તેના સાગરીતો સાથે મળીને ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને એક વૃદ્ધ પર લોખંડની પાઈપથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.
જેલની ઓળખાણથી શરૂ થયેલો વિવાદ
મળતી માહિતી મુજબ, આ ઘટનાની પાછળ જેલમાં થયેલી ઓળખાણ અને પૈસાની ઉઘરાણીનું કારણ સામે આવ્યું છે. ફરિયાદી નલીન મિસ્ત્રીનો પુત્ર દેવાંગ અગાઉ સાબરમતી જેલમાં હતો, જ્યાં તેની ઓળખ આરોપી જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી સાથે થઈ હતી. પેરોલ પર બહાર આવેલા જીગરે 28 માર્ચે દેવાંગ પાસે ખર્ચા માટે પૈસાની માંગણી કરી હતી, જેને લઈને નિકોલ વિસ્તારમાં બંને વચ્ચે તકરાર થઈ હતી.
મોડી રાત્રે તોડફોડ અને હુમલો
જૂના વિવાદને ધ્યાનમાં રાખીને 30 માર્ચની મોડી રાત્રે જીગર કાઠીયાવાડી, તેનો ભાઈ સેવુલ પટેલ અને અન્ય સાગરીતો હથિયારો સાથે નલીનભાઈના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ત્યાં તોડફોડ મચાવી હતી. સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલી ભાજપ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર રાખેલી તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં પણ નુકસાન પહોંચાડ્યું હતું.
અસામાજિક તત્ત્વોએ આસપાસ પાર્ક કરેલા વાહનોના કાચ પણ તોડી નાખ્યા હતા. દેવાંગ ત્યાં હાજર ન હોવાથી આરોપીઓએ તેના પિતા નલીનભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડની પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
સીસીટીવીના આધારે તપાસ શરૂ
ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાપુનગર પોલીસે નલીનભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે કોર્પોરેટરની ઓફિસ બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં આરોપીઓ તોડફોડ કરતા નજરે પડે છે. હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ રહી છે.













Leave a Reply