આજથી શરૂ થયેલા T20 વર્લ્ડ કપ 2026માં ક્રિકેટ ચાહકોને પહેલાથી જ રોમાંચક મેચો જોવા મળી રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી મેચ આજે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા (USA) વચ્ચે રમાઈ, જેમાં ભારતીય ટીમે 29 રનથી જીત મેળવી.
મેચમાં USAએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા અને USAને 162 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 132 રન જ કરી શકી.
ભારતની ઇનિંગ દરમિયાન USAએ શરૂઆતમાં જ ઝટકો આપ્યો હતો. અભિષેક શર્મા પહેલી જ ઓવરમાં શૂન્ય પર આઉટ થયો, જે તેના નામે વધુ એક ડક નોંધાયો. ઇશાન કિશને ઇનિંગની શરૂઆતમાં આક્રમક અંદાજ બતાવ્યો અને પાંચમા બોલે છક્કો ફટકાર્યો. તિલક વર્મા પણ શરૂઆતમાં સારી લયમાં દેખાયો.
આ સાથે T20 વર્લ્ડ કપની ડેબ્યૂ ઇનિંગમાં ડક પર આઉટ થનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં ગૌતમ ગંભીર, આશિષ નેહરા, શાર્દૂલ ઠાકુર, દીપક હુડા અને અભિષેક શર્માના નામનો સમાવેશ થાય છે.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઇશાન કિશન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને વરુણ ચક્રવર્તિનો સમાવેશ હતો. જ્યારે USA તરફથી મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રિસ ગૌસ, મિલિંદ કુમાર સહિતના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા.
ટૂર્નામેન્ટ પહેલાંની વોર્મ-અપ મેચમાં ભારતે આફ્રિકાને 30 રનથી હરાવી પોતાની મજબૂત દાવેદારી દર્શાવી હતી. જોકે, ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલાં ટીમને ઝટકો લાગ્યો હતો, કારણ કે ઇજાગ્રસ્ત હર્ષિત રાણાની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
આ જીત સાથે ભારતે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની સફળ શરૂઆત કરી છે અને ખિતાબની દોડમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.






Leave a Reply