Yes TV

News Website

ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગના 6 સાગરીત ઝડપાયા

ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગના 6 સાગરીત ઝડપાયા
Views 25

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને 58 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આંતરરાષ્ટ્રીય ગેંગનો સાબરમતી પોલીસે ભંડાફોડ કર્યો છે. પોલીસે 24થી 31 માર્ચ દરમિયાન આ કેસમાં સંડોવાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગના સંબંધ દુબઈ અને કંબોડિયાની ચાઈનીઝ નેટવર્ક સાથે જોડાયેલા છે.

પોલીસ તપાસ મુજબ, નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠગોએ ફેસબુક મારફતે ફરિયાદી સાથે સંપર્ક સાધી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં ‘ક્રિસ્ટલ ઈન્ટીરિયર ડિઝાઇનર પ્રાઈવેટ લિમિટેડ’ નામની ડમી કંપનીના બેન્ક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ડમી કંપનીના ડિરેક્ટરો તેમજ બેન્ક ખાતા અને ઓફિસની વ્યવસ્થા કરનાર લોકોનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ગેંગનો માસ્ટરમાઈન્ડ મૂળ સુરતનો મયુર સાવલિયા હોવાનું ખુલ્યું છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં રહી આ નેટવર્ક ચલાવી રહ્યો છે. તે અગાઉ લાઓસ અને કંબોડિયામાં ચાઈનીઝ કોલ સેન્ટરો સાથે સંકળાયેલો હતો અને હાલમાં દુબઈથી કામગીરી સંભાળી રહ્યો છે. પકડાયેલા આરોપીઓ ઓમકાર ગોસ્વામી અને સન્ની મગ્ગો તેની સાથે સતત સંપર્કમાં હતા.

તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ ભારતમાં લોકોના ડમી બેન્ક એકાઉન્ટ્સ મેળવી, એકાઉન્ટ ધારકોને દિલ્હીની હોટેલોમાં રાખતી હતી અને દરેક ટ્રાન્ઝેક્શન પર 5થી 10 ટકા સુધી કમિશન કમાતી હતી.

પકડાયેલા આરોપીઓમાં તાહીર બેલીમ (42), અદનાન શેખ (28), એઝાઝ શેખ (34), ઓમકાર ગોસ્વામી (28), મકસૂદ મિર્ઝા (39) અને સન્ની મગ્ગો (38)નો સમાવેશ થાય છે.

તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડમી કંપનીના ખાતાઓમાં 3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેમાં એક જ ખાતામાં 93 લાખ રૂપિયાનો વ્યવહાર થયો હતો. માત્ર 4 બેન્ક ખાતાઓ સામે દેશભરમાં 41 જેટલી ફરિયાદો નોંધાઈ છે. વધુમાં, જે ફેસબુક આઈડી દ્વારા લોકોને લલચાવવામાં આવ્યા હતા તે કંબોડિયાથી સંચાલિત થતું હોવાનું પણ બહાર આવ્યું છે.

હાલ સાબરમતી પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો અને ફરાર આરોપી મયુર સાવલિયા સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. સાથે જ ગેંગે કેટલા લોકોના બેન્ક ખાતાનો દુરુપયોગ કર્યો છે તેની પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *