અમદાવાદમાં યોજાયેલો આ વર્ષનો ફ્લાવર શો અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નથી. ગત વર્ષની તુલનામાં અંદાજે બે કરોડ રૂપિયાનું વધારાનું ખર્ચ કરીને કાર્યક્રમની અવધિ પણ લંબાવવામાં આવી હતી, છતાં મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો. આ વખતના શોમાં ગયા વર્ષ કરતાં લગભગ બે લાખ ઓછા લોકો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવી સ્થિતિમાં શો બાદ બચેલા ફૂલ અને છોડનો ઉપયોગ અને સંચાલન હવે ચર્ચાનો વિષય બન્યો છે.
આ વર્ષે શહેરમાં આયોજિત ફ્લાવર શો પર કુલ 17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તે 29 દિવસ સુધી ચાલ્યો હતો. આયોજકોના દાવા મુજબ, તેમાં 48 પ્રકારના 10 લાખથી વધુ ફૂલ-છોડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જોકે, આટલા મોટા આયોજન છતાં આશરે 11 લાખ જેટલા મુલાકાતીઓ જ શો જોવા પહોંચ્યા હતા. શો પૂર્ણ થયા બાદ હવે આ ફૂલ-છોડ મ્યુનિસિપલ સંચાલિત બગીચાઓ તથા માર્ગોના ડિવાઇડરોમાં ખસેડવામાં આવ્યા છે.
ફ્લાવર શો અંગે વધતી ટીકા વચ્ચે હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફૂલ-છોડ વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી થોડી આવક મેળવી શકાય. શહેરની મ્યુનિસિપલ સંચાલિત ચાર નર્સરીઓમાંથી આ છોડનું વેચાણ શરૂ કરાયું છે. છોડની કિંમત 6 રૂપિયાથી શરૂ કરીને 235 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે, તેમજ મોટા જથ્થામાં ખરીદી કરનારને ભાવમાં રાહત આપવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ સાથે એવી ચર્ચાઓ પણ સામે આવી રહી છે કે જો વેચાણને યોગ્ય પ્રતિસાદ નહીં મળે, તો આગામી દિવસોમાં આ ફૂલ-છોડ શહેરના કાઉન્સિલરો તથા મ્યુનિસિપલના વિવિધ વર્ગના અધિકારીઓના નિવાસસ્થાને રોપવામાં આવી શકે છે. જોકે, છોડના વેચાણ અને તેના ભવિષ્યના આયોજન અંગે મ્યુનિસિપલના શાસકોને પણ સ્પષ્ટ માહિતી નથી હોવાનો અંદાજ સામે આવ્યો છે.
આ સ્થળોએ ફૂલ-છોડનું વેચાણ કરવામાં આવી રહ્યું છે:
- રસાલા નર્સરી, લો ગાર્ડન BRTS સ્ટેન્ડ સામે
- સૌરભ નર્સરી, મેમનગર ફાયર સ્ટેશન સામે
- વિશ્વકર્મા નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, ચાંદખેડા
- સાયન્સ સિટી નર્સરી, કેનાલ રોડ, ગોતા














Leave a Reply