અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસે ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરી છે. ગોરસ સીમ નજીક આવેલા નિર્વાણા ગ્રીન્સના એક વિકેન્ડ હોમમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી દારૂની પાર્ટી પર ગત રાત્રે રેડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 80 જેટલા યુવક અને યુવતીઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિર્વાણા ગ્રીન્સના એક ખાનગી બંગલામાં 25મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભોજન માટે અલગ અલગ કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યા હતા. પાર્ટી દરમિયાન અનેક ટેબલ પર કેક, હુક્કા તેમજ દારૂ પીરસવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની અચાનક રેડથી પાર્ટીમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસએ સ્થળ પરથી તમામ યુવક-યુવતીઓને કબજામાં લઈને પોલીસ સ્ટેશન લઈ જઈ બાદમાં મેડિકલ તપાસ માટે સાણંદની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. માહિતી મુજબ, મહિલાઓને વહેલી સવારે મેડિકલ ટેસ્ટ બાદ નોટિસ આપીને મુક્ત કરવામાં આવી હતી, જ્યારે પુરુષોને મેડિકલ તપાસ પછી પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે પોલીસે નિયમ મુજબ ફરિયાદ નોંધીને દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.














Leave a Reply