સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે. અગાઉ વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ધોરણ 7ના એક વિદ્યાર્થી પર ત્રણ અન્ય વિદ્યાર્થીઓએ મળીને હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ અને એડમિન હેડની બેદરકારી સામે આવતાં ડીઈઓએ બંનેને નોટિસ ફટકારી છે અને તેમને નોકરીમાંથી કેમ દૂર ન કરવામાં આવે તે બાબતે જવાબ માંગ્યો છે.
ઘટનાનો વિગતવાર હિસાબ
પોલીસ ફરિયાદ અનુસાર, શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે બહાર કાઢવા માટે કાર્તિક (નામ બદલેલ) નામનો વિદ્યાર્થી મોનિટર તરીકે જવાબદારી નિભાવી રહ્યો હતો. આ દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓ લાઈનમાં ન ચાલતાં મોનિટરે તેમને લાઈનમાં રહેવા કે બાજુમાં ઊભા રહેવા કહ્યું હતું. આ વાતને લઈને ત્રણેય વિદ્યાર્થીઓ મોનિટર સાથે ઝઘડવા લાગ્યા અને તેને ધમકાવ્યા હતા.
શાળામાંથી બહાર નીકળતી વખતે સાયકલ પાર્કિંગ પાસે આ ત્રણમાંથી બે વિદ્યાર્થીઓએ મોનિટરને “કાલે તને જોઈ લઈશું” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે આશરે 11 વાગ્યે, મોનિટર ક્લાસરૂમમાંથી વોશરૂમ તરફ જતો હતો ત્યારે આ ત્રણ વિદ્યાર્થીઓ તેની પાછળ ગયા અને ત્યાં જ તેને કોલર પકડીને ધમકાવ્યો કે તેણે તેમને લાઈનમાં કેમ ઉભા રાખ્યા. આ દરમિયાન એક વિદ્યાર્થીએ હાથમાં રહેલી બ્લેડથી મોનિટરના શર્ટના બટન તોડી નાખ્યા અને ફરી ધમકી આપીને તેના પર મારામારી શરૂ કરી હતી.
મોનિટર બન્યો નિશાન
મળતી માહિતી મુજબ, હુમલો થયેલો વિદ્યાર્થી પોતાના ક્લાસનો મોનિટર હતો અને શિસ્ત જાળવવાના પ્રયાસમાં તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં ચાલવા કહ્યું હતું. આ જ વાતની અદાવતમાં ત્રણ વિદ્યાર્થીઓએ તેને નિશાન બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સેવન્થ ડે સ્કૂલનો હાલનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં શાળા પરિસરમાં આવી હિંસક ઘટના સર્જાતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી આ ઘટનાથી વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ છે. હવે આ મામલે શાળા તંત્ર દ્વારા કયા પગલાં લેવામાં આવે છે તે પર સૌની નજર છે.














Leave a Reply