Yes TV

News Website

કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો

કુપોષણમુક્ત ગુજરાત: વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલાઈઝ્ડ કિચન’ અટવાયો
Views 4

પીએમ પોષણ યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છ અને પોષણયુક્ત ભોજન મળે તે હેતુથી રાજ્યમાં ‘સેન્ટ્રલાઇઝ કિચન’ યોજના શરૂ કરવામાં આવી હતી. કુપોષણ સામે લડવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવતી આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. જોકે, દુર્ભાગ્યવશ આજે આ પ્રોજેક્ટ ગતિ ગુમાવી બેઠો છે. આશ્ચર્યની વાત એ છે કે મુખ્યમંત્રી અને રાજ્યના નાણાં મંત્રાલયની મંજૂરી હોવા છતાં પણ યોજના આગળ વધી રહી નથી, જેના કારણે આદિવાસી અને બિન-આદિવાસી વિસ્તારોના લાખો ગરીબ વિદ્યાર્થીઓને ભોજનથી વંચિત રહેવાની સ્થિતિ ઊભી થઈ છે.

અંતિમ મંજૂરી છતાં નિર્ણય લટક્યો

ગુજરાતમાં કુપોષણની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે ત્યારે પીએમ પોષણ યોજના હેઠળ સેન્ટ્રલાઇઝ કિચનનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવાયો હતો. હાલ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત સહિતના આશરે દસ શહેરોમાં સેન્ટ્રલાઇઝ કિચન કાર્યરત છે, જ્યાં 3,003 શાળાના 6.81 લાખથી વધુ વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડવામાં આવે છે. ભોજનની ગુણવત્તા જળવાઈ રહે તે માટે આ કિચનોનું સંચાલન વિવિધ સ્વૈચ્છિક સંસ્થા અને ટ્રસ્ટોને સોંપવામાં આવ્યું છે.

હવે રાજ્યના આદિવાસી તથા બિન-આદિવાસી મળી કુલ 23 જિલ્લાઓમાં આ યોજના અમલમાં મૂકવા સંપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત 35 સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા માટે 29 જિલ્લાઓમાં જમીન ફાળવાઈ ચૂકી છે, જ્યારે 27 કિચન માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. બાકી રહેલા છ જિલ્લાઓમાં જમીન ફાળવણીની કાર્યવાહી ચાલી રહી છે. છતાંય, ખાતમુહૂર્તની તૈયારીના સમયે જ સમગ્ર પ્રક્રિયા અટકી ગઈ છે.

સેન્ટ્રલાઇઝ કિચનના સંચાલન માટે અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ઇસ્કોન, સ્વામિનારાયણ ગુરુકુળ–રાજકોટ, ભણસાલી ટ્રસ્ટ સહિત કુલ 14 સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે કરાર પણ કરવામાં આવી ચૂક્યા છે. આ સંસ્થાઓ 23 જિલ્લાઓમાં 35 સ્થળોએ કિચન ચલાવી 11,389 શાળાના અંદાજે 16.25 લાખ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવાની હતી. દિલ્હીથી માર્ગદર્શન મળ્યા બાદ રાજ્યના નાણાં મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે કુલ 1,982 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.

ગરીબ વિદ્યાર્થીઓના હિતો જોખમમાં

છેલ્લા પાયાના હજારો વિદ્યાર્થીઓને લાભ મળે તેવી આ યોજના હાલ અનિશ્ચિતતામાં ફસાઈ છે. ‘કુપોષણમુક્ત ગુજરાત’ અભિયાનને મજબૂતી આપનારી આ યોજના આગળ વધે તો સરકારને પણ જનસમર્થન મળી શકે તેમ છે, છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા જોવા મળતી નથી.

જમીન ફાળવણી થઈ ચૂકેલા વિસ્તારો

રાજ્ય સરકારે ભિલોડા, મેઘરજ, દિયોદર, થરાદ, આહવા, વાલિયા, ઘોઘા, બોડેલી, કલ્યાણપુર, રાપર, લખપત, સાંતલપુર, સમી, પોશીના, ખેડબ્રહ્મા, ચોટીલા, વ્યારા, ઝાલોદ, લીમખેડા, સંતરામપુર, ખાનપુર, ડેડિયાપાડા, ગરુડેશ્વર, ઉચ્છલ, શહેરા, ઉમરગામ, કપરાડા અને સોનગઢમાં સેન્ટ્રલાઇઝ કિચન માટે જમીન ફાળવી છે.

શિક્ષણ મંત્રી સામે ગંભીર આરોપો

રાજકીય ગોઠવણ અને ભ્રષ્ટાચારના આરોપોને પગલે અગાઉ મંત્રીમંડળમાં ફેરફાર કરવો પડ્યો હતો. હવે સચિવાલયમાં ચર્ચા છે કે નવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા પર પણ માનીતી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ અપાવવાની રસલિપ્તતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 14 સંસ્થાઓની પસંદગી થઈ ચૂકી હોવા છતાં પણ પ્રોજેક્ટમાં અવરોધ ઉભો થતાં સરકારને બદનામી વ્હોરવાની સ્થિતિ સર્જાઈ છે.

ફરી પ્રક્રિયા શરૂ કરવાથી મોટું નુકસાન

સેન્ટ્રલાઇઝ કિચન પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી ગઈ હોવા છતાં કેટલાક હિતધારકો ફરીથી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાવવાની દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો એક-બે મહિના પછી સમગ્ર પ્રક્રિયા ફરીથી શરૂ થશે તો રાજ્ય સરકારને 100 કરોડ રૂપિયાથી વધુનો આર્થિક ફટકો પડી શકે છે, કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *