રાજકોટ અને જામનગર પછી હવે અમદાવાદમાં પણ ‘હું નાથુરામ ગોડસે’ નાટકને લઈને વિવાદ ઘેરો બન્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નિર્વાણ તિથિના માસ દરમિયાન આ નાટકના આયોજન સામે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા કડક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. શહેરના બોડકદેવ અને સિંધુભવન રોડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમ ક્યાં યોજાવાનો છે?
આ નાટક આજે 9 ફેબ્રુઆરીએ સિંધુભવન રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ભજવવાનું આયોજન છે. આ પૂર્વે NSUIના કાર્યકરોએ ઓડિટોરિયમ આસપાસની જાહેર દીવાલો પર ‘ગોડસે મુર્દાબાદ’ અને ‘ગાંધીજી અમર રહો’ જેવા સૂત્રો લખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોનું કહેવું છે કે ગાંધીજીની ભૂમિ પર ગોડસેના મહિમા સમાન નાટક ચલાવવું સ્વીકાર્ય નથી. વિરોધ દરમિયાન નાથુરામ ગોડસેના ફોટા પર કાળી શાહી લગાવી પ્રતીકાત્મક વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
ઓનલાઇન ટિકિટ વેચાણ ચાલુ
નાટકની ટિકિટો હાલ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જોકે NSUI દ્વારા આ પ્રદર્શન રોકવાની જોરદાર માંગ કરવામાં આવી રહી છે. અગાઉ સૌરાષ્ટ્રના શહેરોમાં થયેલા વિરોધની જેમ અમદાવાદમાં પણ નાટક દરમિયાન હંગામાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુથ કોંગ્રેસ અને NSUIના આક્રમક વલણને ધ્યાનમાં રાખતા કાર્યક્રમ સ્થળે પોલીસ બંદોબસ્ત વધારવાની સંભાવના પણ છે.














Leave a Reply