અમદાવાદના સાણંદ–સરખેજ હાઈવે પર લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા તરીકે કામ કરતા ફારૂક ગનીયાણી મોટી રકમ સાથે જઈ રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખસોએ તેમને રસ્તામાં અટકાવી ફિલ્મી અંદાજમાં લાખો રૂપિયાની લૂંટ કરી હતી. ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. સાણંદ પોલીસે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે.
ફિલ્મી ઢબે લૂંટની ઘટના
મળતી વિગતો મુજબ, સોમવાર (9 ફેબ્રુઆરી)ના રોજ સાંજે ફારૂક ગનીયાણી પોતાનું ઓફિસ કામ પૂર્ણ કરીને સાણંદ સ્થિત ઓફિસમાંથી પી.એમ. આંગડિયા પેઢીની સરખેજ સ્થિત બીજી ઓફિસ તરફ રવાના થયા હતા. તેમની પાસે કુલ રૂ. 20,97,690 રોકડા અને ઓફિસના બે મોબાઇલ એક થેલામાં રાખેલા હતા. સાંજના આશરે 6:30 વાગ્યે તેઓ મોપેડ પર નીકળ્યા હતા.
લગભગ 7 વાગ્યાની આસપાસ, ગીબપુરા ગામથી લગભગ 100 મીટર આગળ હાઈવે પર તેઓ ફોન પર વાત કરતાં મોપેડ ધીમું ચલાવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી મોઢું ઢાંકેલા ત્રણ શખસો ટુ-વ્હીલર પર આવ્યા. જેમાંથી એકે ફારૂકભાઈના મોપેડને લાત મારી, જેથી તેઓ રોડ પર પટકાયા.
આ પછી લૂંટારુઓએ રૂપિયા ભરેલો થેલો ઝૂંટી લીધો અને મોપેડની ચાવી પણ લઈને ફરાર થઈ ગયા. ઘટનાના તરત બાદ ફારૂકભાઈએ પોતાના શેઠને જાણ કરી હતી, ત્યારબાદ અજાણ્યા ત્રણ શખસો સામે સાણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી.
પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે લૂંટારુઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરી છે.














Leave a Reply