Yes TV

News Website

વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ

વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ
Views 5

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. એક ચોક્કસ ઈનપુટના આધારે રાજસ્થાનની કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાગરીતોને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. સતત સાત કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ વેજલપુર–વિશાલા રોડ પરથી આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કોટાનો અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓ રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા છે અને ગુજરાતને પોતાનું નવું ઠેકાણું બનાવી ગુનાહિત પ્રવૃત્તિઓ ફેલાવવાની તૈયારીમાં હતા.

મળતી માહિતી મુજબ, બંને આરોપીઓ રાજસ્થાનના કોટામાં આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. તેમના સામે સંગઠિત ખંડણી, હત્યાનો પ્રયાસ અને ટાર્ગેટેડ શૂટિંગ જેવા 20થી વધુ કેસ નોંધાયેલા છે. અમદાવાદ પોલીસની આ કાર્યવાહીથી આંતરરાજ્ય ગુનેગારોના મોટા ષડયંત્ર પર બ્રેક લાગી છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંનેને કોટા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ ઓપરેશન અંગે માહિતી આપતા ક્રાઈમ બ્રાન્ચના PI આઈ. એન. ઘાસૂરાએ જણાવ્યું કે અમન બચ્ચા ગેંગ અત્યંત ખતરનાક છે અને સોપારી કિલિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી રહી છે. પોલીસને બાતમી મળી હતી કે ગેંગ અમદાવાદમાં સ્થાનિક સંપર્કો શોધી પોતાનું નેટવર્ક ઉભું કરવા પ્રયાસ કરી રહી છે. શરૂઆતમાં કોઈ ચોક્કસ મોબાઈલ નંબર કે માહિતી ન હોવા છતાં ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ટ્રેસિંગ અને ઇન્ફોર્મર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં આવ્યું.

જ્યારે પોલીસ નજીક પહોંચી ત્યારે આરોપીઓએ શંકા જતા ક્રેટા કારમાં ફુલ સ્પીડે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જીવના જોખમે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પીછો ચાલુ રાખ્યો અને હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રસ્તા પર જ બંનેને કાબૂમાં લઈ ધરપકડ કરી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રવિ ગોદારા ગેંગ સાથે જોડાયેલા છે અને હાલમાં બિશ્નોઈ ગેંગ સાથે તેમની તકરાર ચાલી રહી છે. અમદાવાદમાં ખંડણીનું નેટવર્ક સ્થાપિત કરી નવા ટાર્ગેટ શોધવાનો તેમનો ઈરાદો હતો, પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લઈને ગુજરાતમાં ગુનાહિત સામ્રાજ્ય જમાવવાની યોજના નિષ્ફળ બનાવી છે. હવે રાજસ્થાન પોલીસના સહયોગથી ગેંગના અન્ય સાગરીતો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *