વડોદરા અને અમદાવાદમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળતા તંત્ર સતર્ક બન્યું છે. બંને શહેરોની અનેક શાળાઓ અને કોલેજોને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને અમદાવાદની અંદાજે 16 શાળાઓને આવી ધમકીઓ મળી હોવાનું સામે આવ્યું છે.
વડોદરાની શાળાઓને ધમકી
Vadodara શહેરમાં ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શાનેન અને નવયુગ જેવી શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને તરત જ રજા આપી દીધી. ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતી તરીકે ખાલી કરાવવામાં આવી છે.
ધમકી અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા શાળાઓમાં સઘન તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદની 16 શાળાઓને ઈમેઈલ
Ahmedabad શહેરના બોપલ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, મકરબા સહિતના વિસ્તારોમાં આવેલી લગભગ 16 શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં તુલીપ સ્કૂલ (બોપલ), SGVP ગુરુકુળ, સિલ્વર બેલ સ્કૂલ, નિરમા યુનિવર્સિટી, AG હાઈસ્કૂલ, JG ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યાનગર સ્કૂલ, દિવાન બલ્લુભાઈ સ્કૂલ, CN સ્કૂલ, ખાલસા લિટલ સ્કૂલ (બાપુનગર), એશિયા સ્કૂલ, DAV સ્કૂલ, એ વન સ્કૂલ, અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલ, સંત કબીર સ્કૂલ (નવરંગપુરા) અને ઘોડાસરની જીવીબા સ્કૂલનો સમાવેશ થાય છે.
ધમકી મળતા જ શાળાઓ ખાલી કરાવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સુરક્ષા કવચ ગોઠવી તપાસ ચાલી રહી છે. DAV સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હોવાથી વાલીઓને તરત જાણ કરવામાં આવી હતી અને શાળાની બહાર સિક્યુરિટી કોર્ડન ગોઠવવામાં આવ્યો છે.
અગાઉ પણ આવી ઘટનાઓ
23 જાન્યુઆરી, 2026ના રોજ પણ અમદાવાદની જાણીતી શાળાઓને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. તે સમયે સંત કબીર સ્કૂલની ત્રણ શાખાઓ, DPS, સેન્ટ ઝેવિયર્સ લોયોલા, કેલોરેક્ષ સ્કૂલ, સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવી ઈમેઈલ મોકલાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક કાર્યરત થઈ હતી.
આ પહેલા ડિસેમ્બર મહિનામાં વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને પણ અજાણ્યા ઈમેઈલથી બોમ્બની ધમકી આપવામાં આવી હતી, જેને પગલે કચેરી ખાલી કરાવવામાં આવી હતી.
હાલ બંને શહેરોમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે અને ધમકીભર્યા ઈમેઈલ મોકલનારાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.














Leave a Reply