ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયર પદની ચૂંટણી પહેલા જ રાજકીય સમીકરણોમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પક્ષના 22માંથી 9 કોર્પોરેટરોએ બળવો કરી ‘ભિવંડી સેક્યુલર ફ્રન્ટ’ (BSF) નામે નવું મોરચું રચ્યું છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગઠબંધનને સમર્થન આપ્યું છે.
આ નવી રાજકીય ગોઠવણી પછી કોંગ્રેસ અને રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)નું સંખ્યાબળ 46 પર પહોંચ્યું છે. 90 બેઠકો ધરાવતી મહાનગરપાલિકામાં બહુમતી માટે જરૂરી આંકડો પાર થતાં કોંગ્રેસ માટે મેયર પદનો માર્ગ લગભગ સુગમ બની ગયો છે.
ભાજપમાં ભંગાણ, કોંગ્રેસને સીધો લાભ
ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ 30 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી, છતાં તેને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. હવે ભાજપમાં થયેલા ભંગાણ તેમજ શિવસેના અને ભાજપ વચ્ચેના આંતરિક મતભેદોના કારણે પરિસ્થિતિ કોંગ્રેસના પક્ષમાં વળી ગઈ છે.
જોકે સમાજવાદી પાર્ટીએ શિવસેનાને ટેકો આપ્યો હતો, છતાં તાજેતરના રાજકીય ફેરફારોને કારણે કોંગ્રેસ ગઠબંધન મજબૂત બન્યું છે. હાલની સ્થિતિએ ભિવંડી-નિઝામપુરમાં કોંગ્રેસનો મેયર અને ડેપ્યુટી મેયર બનવાનો રસ્તો લગભગ સાફ દેખાઈ રહ્યો છે.
બેઠક વિતરણનો આંકડો
- કોંગ્રેસ – 30
- ભાજપ – 22 (તેમાંથી 9 અલગ થયા)
- શિવસેના (શિંદે જૂથ) – 12
- NCP (શરદ પવાર જૂથ) – 12
- સમાજવાદી પાર્ટી – 6
- કોનાર્ક વિકાસ આઘાડી – 4
- ભિવંડી વિકાસ આઘાડી – 3
- અપક્ષ – 1
આ નવા રાજકીય ગણિતથી મહાનગરપાલિકાની સત્તાની ચાવી હવે કોંગ્રેસના હાથમાં જવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે.














Leave a Reply