અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે એક દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રોયલ અકબર ટાવર નજીક ઝડપી ગતિએ દોડી રહેલા એક ડમ્પરે મોપેડ પર જતાં એક યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક પોતાનું મોપેડ લઈને માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક પાછળથી આવેલા ડમ્પરે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે ભેગા થઈ ગયા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, આરોગ્યકર્મીઓ પહોંચ્યા બાદ તપાસ કરતાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. પ્રાથમિક તપાસના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ ચાલુ છે અને આરોપીને ઝડપવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.














Leave a Reply