Yes TV

News Website

આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.પર 3141 કરોડનું દેવું

આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.પર 3141 કરોડનું દેવું
Views 19

આત્મનિર્ભરતા અને વિકાસના દાવાઓ વચ્ચે વર્ષ 2026-27 માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 18,518 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષે નાણાકીય પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન પર હાલ કુલ રૂ. 3,141 કરોડનું દેવું છે, છતાં હજારો કરોડના બજેટ મંજૂર કરવામાં આવે છે પરંતુ શહેરવાસીઓને તેનો યોગ્ય હિસાબ આપવામાં આવતો નથી. તેમણે જણાવ્યું કે બજેટ સાથે વાર્ષિક અહેવાલ રજૂ થવો જોઈએ જેથી કરદાતાઓને તેમના ટેક્સના નાણાં ક્યાં ખર્ચાયા તેની માહિતી મળી શકે. છેલ્લા બે વર્ષથી વાર્ષિક અહેવાલ રજૂ ન થવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.

બજેટ પુસ્તક મુજબ 1 એપ્રિલ 2026ની સ્થિતિએ વિવિધ લોન મળીને કુલ રૂ. 984.58 કરોડનું દેવું દર્શાવાયું છે. તેમાં સરકારી લોન રૂ. 80.11 કરોડ, જીએસએફસીની લોન રૂ. 354.47 કરોડ, ગ્રીન બોન્ડ રૂ. 200 કરોડ અને જીઆરસીપી લોન રૂ. 350 કરોડનો સમાવેશ થાય છે. ઉપરાંત, નવી લોન તરીકે જીએસએફસી પાસેથી રૂ. 150 કરોડ અને જીઆરસીપી પાસેથી રૂ. 300 કરોડ મેળવવાની યોજના દર્શાવવામાં આવી છે. આ રીતે કુલ લોન રૂ. 1,434.58 કરોડ બતાવવામાં આવી છે. વર્ષ દરમિયાન રૂ. 107.70 કરોડની પરતફેર બાદ બાકી દેવું રૂ. 1,326.88 કરોડ રહેશે તેમ દર્શાવાયું છે.

વિપક્ષે વિશ્વબેંકની રૂ. 3,000 કરોડની લોન સામે રૂ. 2,465 કરોડના કામોનું આયોજન દર્શાવીને દેવાના આંકડામાં ગેરસમજ ઉભી કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમનું કહેવું હતું કે વિશ્વબેંકની લોન માત્ર રૂ. 650 કરોડ દર્શાવી બાકી રૂ. 1,815 કરોડનું દેવું ઓછું બતાવાયું છે.

ચર્ચા દરમિયાન રાજકીય ટિપ્પણીઓથી વાતાવરણ હળવું બન્યું હતું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે અમદાવાદમાં દર કલાકે રૂ. 2 કરોડના વિકાસકાર્યો થઈ રહ્યા છે. મેયરે પણ વિકાસ માટે લોન લેવી જરૂરી બને છે તેવી સ્પષ્ટતા કરી હતી.

બજેટ ચર્ચા દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે વાકયુદ્ધ પણ થયું, જેમાં જૂના શાસનનો ઉલ્લેખ કરતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. એક ટિપ્પણી બાદ મેયર, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મેયર હસી પડ્યા હતા, જેના કારણે સભાખંડમાં થોડો સમય હળવો માહોલ સર્જાયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *