અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ ખાતે શુક્રવારે (20 ફેબ્રુઆરી) રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન સર્જાયેલી બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ હતી. ઉંચા અવાજે વાગતા ગીતોને લઈને સ્થાનિકો અને પ્રસંગમાં હાજર લોકો વચ્ચે તણાવ ઊભો થયો હતો, જે બાદ મામલો વધુ ઉગ્ર બન્યો.
બોલાચાલીથી મારામારી સુધી
લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના તેજ અવાજને કારણે આસપાસના કેટલાક રહેવાસીઓએ પાર્ટી પ્લોટ બહાર આવી અવાજ ધીમો કરવા કહ્યું હતું. આ બાબતે બંને પક્ષ વચ્ચે પહેલા બોલાચાલી અને બાદમાં ઝપાઝપી થઈ. પરિસ્થિતિ બગડતા કેટલાક લોકો દ્વારા પાર્ટી પ્લોટ બહાર ઉભેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. બંને પક્ષોની સામે સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સાત લોકોની અટકાયત કરી છે અને વિસ્તારમાં વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.
હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે, જોકે સમગ્ર મામલે તપાસ ચાલુ છે.














Leave a Reply