Yes TV

News Website

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી
Views 33

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે 23 ફેબ્રુઆરીએ અમદાવાદના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. વહેલી સવારથી આકાશ વાદળછાયું રહ્યું અને પછી સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત વચ્ચે આવેલા આ માવઠાંને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરભરમાં દિવસભર વાદળછાયું માહોલ રહ્યો.

હવામાન વિભાગ મુજબ સોમવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભરુચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં હળવા ઝાપટાં સાથે પવન ફૂંકાઈ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે 24 ફેબ્રુઆરીથી હવામાનમાં સુધારો થઈ શકે છે અને વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે તાપમાનમાં ઉતાર-ચઢાવ રહેશે. બપોરે મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હોવાથી ઠંડીનો અહેસાસ ફરી વધે તેવી સંભાવના છે.

આ તરફ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ભારે કમોસમી વરસાદ નોંધાયો. શિનોર, માલસર અને દામાપુરા ગામોમાં જોરદાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર તાલુકામાં પણ ઠંડા પવન સાથે વરસાદ વરસ્યો.

માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ઊભા પાક તેમજ લણણી કરેલા પાકને નુકસાન થવાની શક્યતા છે. જે ખેડૂતોનો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તેમણે તેને તરત જ સુરક્ષિત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી દેવો જોઈએ. સાથે જ વરસાદી અને વાદળછાયા વાતાવરણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ તથા ખાતરનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *