અમદાવાદના નિકોલ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નિકોલના ખોડિયાર મંદિર નજીક એક કારચાલકે અકસ્માત કર્યા બાદ તેને રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ધને કારના બોનેટ પર ચડેલી હાલતમાં જ કાર દોડાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
માહિતી મુજબ 13 માર્ચની રાત્રે નિકોલના ખોડિયાર મંદિર પાસે એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત જોતા ત્યાં હાજર એક વૃદ્ધ વ્યક્તિ કારચાલકને સમજાવવા અને તેને અટકાવવા આગળ આવ્યા હતા. પરંતુ કારચાલક પકડાઈ જવાના ભયથી ગાડી રોકવાને બદલે વૃદ્ધને અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની બચાવ માટે વૃદ્ધ કારના બોનેટ પર ચડી ગયા હતા. ત્યારબાદ કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે વૃદ્ધને બોનેટ પર જ રાખીને અંદાજે 500 મીટર સુધી ઝડપી ગતિએ કાર દોડાવી દીધી હતી. આ આખી ઘટનાનો વીડિયો પાછળથી આવતા એક અન્ય વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
પોલીસે તપાસ શરૂ કરી
આ મામલે નિકોલ પોલીસે જણાવ્યું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. તેમ છતાં, સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોને ધ્યાનમાં રાખીને પોલીસે કારના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ અને નિકોલ પોલીસ સંયુક્ત રીતે આ બેફામ કારચાલકને શોધવા પ્રયાસ કરી રહી છે.
















Leave a Reply