આજે ચૈત્રી નવરાત્રીનો પાવન પ્રારંભ થયો છે. સવારે શુભ મુહૂર્તમાં મંદિરોમાં ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી સંતો-મહંતો અને ભાવિકો માતાજી સન્મુખ અનુષ્ઠાન કરશે અને ભક્તિભાવમાં લીન રહેશે. બેઠા ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. ગઇકાલે અંતિમ ક્ષણો સુધી બજારોમાં ખરીદીનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આવેલ તમામ દેવી મંદિરોમાં ઉજવણીની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. ગિરનારની ટોચ પર બિરાજમાન અંબાજી મંદિર સહિત વાઘેશ્વરી માતાજી, ગાયત્રી મંદિર, અંબા માતાજી મંદિર, બહુચર માતાજી મંદિર, હિંગળાજ માતાજી અને ખોડિયાર મંદિર જેવા સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નાગર રોડ અને અંબાઈ ફળિયા વિસ્તારમાં નાગર પરિવાર દ્વારા માતાજીના બેઠક સ્થાને બેઠા ગરબા અને અનુષ્ઠાન યોજાઈ રહ્યા છે.
ચૈત્રી નવરાત્રી દરમિયાન સંતો-મહંતો આશ્રમ પરિસરમાં રહી પૂજા-અર્ચના અને અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધના કરી રહ્યા છે. અનુષ્ઠાન દરમ્યાન તેઓ ગર્ભગૃહની બહાર આવતા નથી. બીજી તરફ, ભક્તો નકોરડા ઉપવાસ કરીને પણ માતાજીની ભક્તિ કરી રહ્યા છે.
આજે સવારે મંદિરોમાં ઘટસ્થાપન સાથે માતાજીના વિશેષ શૃંગાર, આરતી અને મહાપ્રસાદના કાર્યક્રમો શરૂ થયા છે. મંદિરોને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. અખંડ દીવો અને અખંડ પાઠ જેવા કાર્યક્રમો પણ શરૂ થયા છે. નવરાત્રી દરમ્યાન વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે, જ્યારે અષ્ટમીના દિવસે યજ્ઞ અને સાંજે બીડું હોમવાનું આયોજન કરવામાં આવ્યું છે.
















Leave a Reply