આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાની વધતી જતી પ્રવૃત્તિ અને તેના કારણે ન્યાયિક પ્રક્રિયા પર પડતી અસર અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં આવેલી બેન્ચે શુક્રવારે જણાવ્યું કે, આજકાલ મોબાઈલ ધરાવતો દરેક વ્યક્તિ જાણે મીડિયા બની ગયો છે, જેનાથી આરોપીઓને નિષ્પક્ષ સુનાવણી મળવામાં જોખમ ઊભું થાય છે.
બેન્ચે નોંધ્યું કે રસ્તા પર અકસ્માત થાય અથવા કોઈ વ્યક્તિ ગંભીર હાલતમાં હોય ત્યારે લોકો મદદ કરવા બદલે વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. આ વલણ હવે સંક્રામક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
સુનાવણી દરમિયાન અરજીમાં એવો પણ આક્ષેપ થયો કે પોલીસ પોતાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આરોપીઓના ફોટા અને વીડિયો શેર કરે છે, જેનાથી જનમાનસમાં પૂર્વગ્રહ ઊભો થાય છે. જો બાદમાં પુરાવાના અભાવે આરોપી નિર્દોષ સાબિત થાય, તો લોકો ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવે છે.
જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે પોલીસ દ્વારા મીડિયામાં આપવામાં આવતી માહિતીથી આરોપીઓ સામે પૂર્વગ્રહ ઊભો ન થવો જોઈએ. તેમણે ઉમેર્યું કે પરંપરાગત ટીવી ચેનલો કેટલીક હદ સુધી સંયમ રાખે છે, પરંતુ સોશિયલ મીડિયા વધુ અનિયંત્રિત હોવાથી મોટી સમસ્યા ઉભી કરે છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોશિયલ મીડિયા પર કાર્યરત કેટલીક પેજ અને ચેનલોને બ્લેકમેલર્સ તરીકે સંબોધિત કર્યા. ચીફ જસ્ટિસે પણ નોંધ્યું કે નાના શહેરો અને ગામોમાં કેટલાક લોકો ખોટા મીડિયા ઓળખપત્રોનો ઉપયોગ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) તૈયાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. સાથે જ અરજદારને એપ્રિલ બાદ વધુ વ્યાપક મુદ્દાઓ સાથે અરજી ફરીથી રજૂ કરવા સૂચન કર્યું છે.
















Leave a Reply