મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે. સાંસદો અને ધારાસભ્યોના કેસોની સુનાવણી કરતી સ્પેશિયલ કોર્ટે ₹25,000 કરોડના બેંક કૌભાંડ મામલે દિવંગત નેતા Ajit Pawar, તેમની પત્ની Sunetra Pawar અને ભત્રીજા Rohit Pawarને મોટી રાહત આપી છે. કોર્ટે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા રજૂ કરાયેલા ‘ક્લોઝર રિપોર્ટ’ને સ્વીકારતા કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે, આ મામલે પવાર પરિવારને સત્તાવાર રીતે ક્લીનચીટ મળી છે.
આ કેસમાં અનેક જાણીતા રાજકીય ચહેરાઓના નામ સામે આવ્યા હતા, પરંતુ લાંબી તપાસ બાદ પૂરતા પુરાવા ન મળતા કોર્ટે તપાસ ફાઇલ બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.
બીજી તરફ, Enforcement Directorate (ED) અને સામાજિક કાર્યકર Anna Hazare દ્વારા તપાસ ચાલુ રાખવા માટે કરાયેલી અરજીઓને પણ કોર્ટે નામંજૂર કરી દીધી. સ્પેશિયલ જજ મહેશ કે. જાધવે જણાવ્યું હતું કે અગાઉ પણ સમાન અરજીઓ ફગાવાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર, જો મૂળ ગુનામાં પુરાવા ન મળે અને કેસ બંધ થાય, તો મની લોન્ડરિંગ સંબંધિત કાર્યવાહી આપોઆપ રદ થાય છે. આ કાનૂની જોગવાઈને કારણે EDનો કેસ પણ ટકી શક્યો નથી, જેને પવાર પરિવાર માટે મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી, 2026ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. મુંબઈથી બારામતી જઈ રહેલું તેમનું ચાર્ટર્ડ વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું, જેમાં તેઓ સહિત પાંચ લોકોનાં મોત થયા હતા. લાંબા સમય સુધી રાજ્યના રાજકારણમાં સક્રિય રહેલા અજિત પવારના નિધન બાદ આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. હાલ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ CID અને ઉડ્ડયન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.














Leave a Reply