
રાજ્યમાં હાલ પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીએને વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાની ગલીઓમાં જાણે નદીઓ વહી રહી હોય એવા દ્વશ્યો નજરે પડી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરની સીડીઓ પર ખળખળ વરસાદી પાણી વહી રહ્યા છે.
અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં 3.5 ઇંચ, ધરમપુરમાં 3.46, દ્વારકાના કલ્યાણપુરમાં 3.43 ઇંચ, તાપીના વ્યારામાં 3.35 ઇંચ, ડાંગ-આહવામાં 3.11 ઇંચ અને તાપીના સોનગઢમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 13 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.
