

રાજસ્થાનના બારાન જિલ્લાના શાહાબાદમાં મંગળવારે એક ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન રોડવેઝની એક બસ દુર્ઘટનાનો ભોગ બની હતી. એક ટ્રકે મુસાફરોથી સવાર બસને ટક્કર મારી હતી, જેને લઈને ટ્રક રસ્તા પર પલટી ગઈ. આ અકસ્માતમાં લગભગ 24 મુસાફરો ઈજાગ્રસ્ત થયા. જેમાંથી છ લોકોના મોત થયા છે. ઘટનાના પગલે બારાન જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, આ દુ:ખદ અકસ્માત બારન જિલ્લાના શાહાબાદ વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક એક ટ્રકે રાજસ્થાન રોડવેઝની એક બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર થતાં જ બસ તરત જ રસ્તા પર પલટી ગઈ હતી. બસમાં 30 થી 35 મુસાફરો હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ચીસો પડી હતી. ઘટનાસ્થળે મોટી ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને 24 ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી શાહબાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં છ મુસાફરોની હાલત ગંભીર જોઈને તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન છ મુસાફરોના મોત થયા છે. પોલીસે મુસાફરોના મૃતદેહની ઓળખ કરી અને તેમના પરિવારજનોને જાણ કરી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે. બારન પોલીસનું કહેવું છે કે ટ્રક સાથે અથડાયા બાદ બસ પલટી ગઈ હતી. ક્રેનની મદદથી બસને રસ્તા પરથી દૂર કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.