
વિશ્વ જ્યારે તેજ ગતિથી વિકાસ કરી રહ્યું છે પરંતુ પ્રકૃતિની જે રીતે ઉપેક્ષા થઈ રહી છે તે વિનાશ તરફ જ દોરી જાય છે તે કાળા માથાનો માનવી ભૂલી ગયો છે.ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે હવામાનમાં અણધાર્યા ફેરફારો જોવા મળી રહ્યા છે અને ખેતીની પેદાશો અને ફળોના ઉત્પાદન પર પણ માઠી અસર જોવા મળી રહી છે.આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મ્હોર ખરી રહ્યા છે.તેમજ આંબા પર અચાનક નવી કૂંપળો ફૂટી રહી છે, જે કેરીના ઉત્પાદન પર માઠી અસર કરે છે.આ વર્ષે કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.
ગુજરાતના ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે કારણકે તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ખેડૂતો મોટાપાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાં દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિંગની અસરના પગલે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો છે, વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 50 થી 60 ટકા ઓછું ઉત્પાદન થવાની સંભાવના છે,આથી આ વર્ષે કેસર કેરીનાં ભાવ ખુબજ ઊચા રહેશે અને ઉનાળાની સીઝનમા કેસર કેરીનો ભરપૂર આનંદ નહીં માણી શકે.
