
ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળી સાથે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ, સમગ્ર જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે એવી આગાહી પણ કરાઈ છે.
હવામાન વિભાગ દ્વારા 2 જુલાઈના રોજ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જેવા જીલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તો તાપી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. વાવેતર માટે આ વરસાદ સારો ઘણી શક્યા છે જેથી ખેડૂતો માટે રાહતરૂપ બને તેવો વરસાદ વ્યારા, વાલોડ, ડોલવણ અને સોનગઢ સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો છે. ખાસ કરીને ડોલવણ તાલુકામાં માત્ર 2 કલાકમાં લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે.
રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે પાટણ, ખેડા, અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.હવામાન વિભાગે લોકોને સલામતીને ધ્યાને રાખી જરુરી સ્થળે જ જવા અને તળિયાના વિસ્તારોમાં રહેનાર લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. તંત્ર પણ હાલ વાયસરને કાળજી પૂર્વક મોનિટર કરી રહ્યું છે.
