
અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. એક અહેવાલ મુજબ, દુર્ઘટનાના પગલે પાઇલટ્સ દ્વારા ફ્લાઇટ સિમ્યુલેટરમાં વિમાનની સ્થિતિનું પુનઃપરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિમ્યુલેશન દ્વારા એવી શક્યતા સામે આવી છે કે ટેકનિકલ ખામી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ બની શકે છે. જોકે, વિમાનના ક્રેશ પાછળનું સાચું કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટ્સે લેન્ડિંગ ગિયર ગોઠવ્યા અને વિંગ ફ્લૅપ્સ પાછા ખેંચી લીધા હતા. પરંતુ દુર્ઘટનાના સમયે વિમાનના કાટમાળના ફોટામાં દેખાય છે કે ફ્લૅપ્સ ખુલ્લા હતા અને સમયસર પાછા ખેંચાયા ન હતા. તમને જણાવી દઇએ કે ફ્લૅપ્સ લેન્ડિંગ અને ટેકઓફ દરમિયાન વિમાનને વધુ લિફ્ટ આપવા ઉપયોગી હોય છે. એનો ખોટો ઉપયોગ વિમાનની સ્થિરતા માટે જોખમરૂપ સાબિત થઈ શકે છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળતા જણાવ્યું હતું કે હાલના તથ્યો માત્ર અટકળો છે.
આ વિમાન દુર્ઘટના એટલી ભયાનક હતી કે લંડન જતી ફ્લાઇટ ટેકઓફ પછી થોડા સેકન્ડમાં જ અમદાવાદની મેડિકલ કોલેજના કેમ્પસમાં આવી ક્રેશ થઈ. આ ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી એક વ્યક્તિ સિવાય તમામનો દુખદ મોત નિપજ્યું હતું અને જમીન પર રહેલા 34 લોકોએ પણ જીવ ગુમાવ્યા.
સિમ્યુલેશનમાં પણ જાણવા મળ્યું કે લેન્ડિંગ ગિયર આગળ નમેલું હતું અને ગિયરના દરવાજા ખુલ્યા જ નહોતા, જે હાઈડ્રોલિક અથવા ઇલેક્ટ્રિકલ ખામી તરફ ઈશારો કરે છે. હાલ અકસ્માતના બ્લેકબોક્સના ડેટાનું વિશ્લેષણ દિલ્હી સ્થિત એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ડેટાના આધારે એ જાણી શકાશે કે વિમાન ક્રેશ પહેલા શું બન્યું અને બંને એન્જિન એકસાથે કેવી રીતે બંધ થયા. આ સમગ્ર ઘટનાની સત્તાવાર તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મહત્વપૂર્ણ વિગતો સામે આવી શકે છે.
