
જામનગર શહેરમાં ભ્રષ્ટાચારના મુદ્દે મહાનગરપાલિકાની કચેરીમાં સોમવારે (સાતમી જુલાઈ) વિપક્ષે ભારે હંગામો મચાવ્યો હતો. ગેરહાજર રહેલા મેયરની કચેરીના દ્વારે આવેદનપત્ર અને ગંદકી સહિતના ફોટા ચોટાડી તેના પર ચલણી નોટોનું તોરણ બાંધ્યું હતું.જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષે કહ્યું હતું કે, પ્રજાની અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી દેતા હોય, તો ભ્રષ્ટાચારના રૂપિયા આપવા માટે વિરોધ પક્ષ પણ તૈયાર છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કચેરીમાં જઈને ત્યાં હાજર રહેલા સ્ટેન્ડિંગ ચેરમેનને આવેદનપત્ર આપીને ટેબલ પર ચલણી નોટો મૂકીને દેખાવ કર્યો હતો.શહેરમાં રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. જેને કારણે શહેરની આજે અનેક શેરી ગલી અને કેનાલોમાં કચરા ભરાયેલા છે. રોડ રસ્તામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી અનેક માર્ગો ભંગાર હાલતમાં બની ગયા છે અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જે મુદ્દો લઈને આજે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં દેખાવ કરવામાં આવ્યો હતો. મેયર ગેરહાજર હોવાથી તેમની કચેરીના ગેટ પર આવેદનપત્ર ચોટાડવામાં આવ્યું હતું. વિરોધ પક્ષનું કહેવું છે કે, ‘ભ્રષ્ટાચારના કારણે જામનગરની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. જો પૈસાના જોરે કામ કરતા હોય તો વિરોધ પક્ષ પણ ભ્રષ્ટાચાર રૂપી નોટો આપવા તૈયાર છે.’ આ ઉપરાંત જામનગર શહેરને ગુલાબી બનાવી દેવા માટે નકલી બે હજારની ચલણી નોટોનું તોરણ બાંધ્યું હતું.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા હાજર હોવાથી વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તેમજ કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને અન્ય કોંગી કોર્પોરેટરો તેમની કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં આવેદનપત્રની આપીને નકલી બે હજારની ચલણી નોટો ટેબલ પર પાથરી હતી. જામનગરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવી આપવા અમેં પણ ભ્રષ્ટાચારની રકમ આપવા તૈયાર છીએ તેમ દર્શાવી નવતર પ્રકારે વિરોધ કર્યો હતો. જેથી મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી.
