
ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઈવિંગ લાઈસન્સ લેનાર અરજદારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે લર્નિંગ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે લોકોને RTOના ધક્કા ખાવા નહીં પડે. ટ્રાન્સપોર્ટ વિભાગે “ફેસલેસ લર્નિંગ લાઈસન્સ” (Faceless Learning Licence) નામની નવી અને આધુનિક વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેના કારણે અરજદારો સંપૂર્ણપણે ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ઘરે બેઠા લાઈસન્સ મેળવી શકે છે.આ નવી વ્યવસ્થા અંતર્ગત, હવે કોઈને પણ RTO કચેરી કે પોલિટેકનિક, ITI જેવી કોઈ સંસ્થા સુધી જવાની જરૂર પડશે નહીં. ફેસલેસ પ્રક્રિયામાં અરજદારોએ સરકારી પોર્ટલ પરથી અરજી કરવી પડશે, જરૂર હોય તેવા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવા પડશે અને ત્યારબાદ લર્નિંગ લાઈસન્સ માટેની ટેસ્ટ પણ ઘરે બેઠા ઓનલાઇન આપી શકાશે.ટેસ્ટ માટે અત્યાર સુધી RTOના સેન્ટરો પર જવાની અને ચોક્કસ સમય સ્લોટ બુક કરાવવાની પદ્ધતિ હતી. ઘણીવાર લોકોને સમય મળતો ન હતો અથવા લાંબી અપેક્ષા યાદી હોતી, જેના કારણે લોકો પરેશાન થતા હતા. હવે એ મુશ્કેલીમાંથી છૂટકારો મળ્યો છે. ફેસલેસ વ્યવસ્થામાં કોઈ પણ સમયે પરીક્ષા આપી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આપેલી માહિતી મુજબ, આ નવી ફેસલેસ વ્યવસ્થા સાથે જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે. એટલે કે જે લોકો ઑફલાઇન પદ્ધતિથી લાઈસન્સ મેળવવા ઈચ્છે છે તેઓ રુબરુ RTO કચેરી જઈને લાઈસન્સ માટે અરજી કરી શકશે. આ નવી પદ્ધતિના અમલથી અરજદારોનો સમય બચશે, RTOના ચક્કરો ટાળવા મળશે અને લાઈસન્સ મેળવવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, કર્મચારી લોકો અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે આ વ્યવસ્થા ખૂબ જ લાભદાયી સાબિત થશે.
