
સોમવાર-મંગળવારે રાત્રે લગભગ 3 વાગ્યે મધ્યપ્રદેશના છતરપુર ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી. અહીં એક ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના અદલહાટ ગામના રહેવાસી કાટમાળમાં દટાઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.
આ ઘટના સમયે તેઓ તેમના પરિવાર સાથે ધર્મશાળામાં સૂઈ રહ્યાં હતા ત્યારે અચાનક દિવાલ ભરી પડી હતી. આ દુર્ઘટનામાં કુલ 10 લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના ઘાયલોની સારવાર છતરપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટનાને લઈને અધિકારીઓએ કહ્યું કે દિવાલ કેમ પડી તેની તપાસ ચાલુ છે. સાથે સરકાર તરફથી મૃતકના પરિવારમાં વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે
માત્ર આ એક જ દુર્ઘટના નહીં, પરંતુ 3 જુલાઈએ પણ બાગેશ્વર ધામ પરિસરમાં એક તંબુ તૂટી પડ્યો હતો. સવારે લગભગ 7 વાગ્યે આરતી પછી થયો આ બનાવ વરસાદથી બચવા માટે ઉભેલા ભક્તો માટે ગંભીર સાબિત થયો. તંબુનું લોખંડનું એંગલ એક વૃદ્ધ ભક્તના માથામાં વાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દુર્ઘટનામાં અન્ય 8 લોકો ભાગદોડમાં ઘાયલ થયા હતા.
આ ઘટનાને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, સોશિયલ મિડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે પંડાલ ધરાશાયી થયો છે. શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ જૂના દરબાર પાસે એક પોલીથીનનો મંડપ બનાવવામાં આવ્યો હતો, જે વરસાદના પાણીથી ભરાઈ જતાં ધરાશાયી થયો અને ભક્તો પર પડી ગયો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેમનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકો નાની મોટી ઈજાઓ પછી ફરી ધામ પરત આવ્યા હતા.
