
અમદાવાદમાં થોડા દિવસનાં વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સોલા, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા સહિતનાં વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં (Ahmedabad) શુક્રવારે સાંજે વરસાદ ખાબક્યો છે. શહેરનાં પશ્ચિમ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. માહિતી અનુસાર, પશ્ચિમ વિસ્તારમાં સોલા, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અચાનક વરસાદ પડતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે. જ્યારે દરિયાકાંઠે 30 થી 40 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી રાજ્યનાં કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ (Rain in Gujarat) જોવા મળશે. વીજળીનાં કડાકા સાથે છૂટાછવાયા, હળવા વરસાદની શક્યતાઓ છે. જ્યારે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.
