
નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં બે યુવાનોના ટ્રેનની અડફેટે આવી જતા બે યુવકોના મૃત્યુ નીપજ્યાં હતા. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સેરા ગામમાં બે યુવકો રોજગારી અર્થે નવસારી ખાતે આવ્યા હતા. ટ્રેનમાંથી નીચે ઉતર્યા બાદ રેલવે લાઈન ક્રોસ કરતા દુર્ઘટના બની હતી.

અમદાવાદ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસના લોકો પાયલટે મૃતદેહ જોતા નવસારી રેલવે સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાની જાણ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલ પર મોટી સંખ્યામાં બનાસકાંઠા ખાતે રહેતા સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી નવસારી જિલ્લામાં ટ્રેનની અડફેટે મૃત્યુ પામનારની સંખ્યા વધી રહી છે. જેને કેમ નાથવુ તે રેલવે પોલીસ માટે પણ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે.