
છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ઉપાડો લીધો હતો. એકબીજાને સામે પડકારો ફેંકાતા હતા. બડાશ હાંકતા શૂરાતનભર્યા વીડિયો અપલોડ કરી રાજકારણમાં અને નાગરિકોની નજરે ચઢવાના હવાતિયા મરાતા હતા. પરંતુ અંતે રાજીનામા માટે પહેલે આપ… પહેલે આપ… વાળી થઇ. આજે ગુજરાતના રાજકારણ માટે શરમજનક ઘટનાક્રમ સર્જાયો. જેમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો ભૂલીને રાજકીય સ્ટંટમાં મસ્ત બન્યા.
અઠવાડિયાથી ચાલી રહેલા ચેલેન્જ વોરના પગલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. ત્યાં વાજતે-ગાજતે ઢોલ નગારા સાથે નાટકો થયા. એટલે કે મોરબીથી ગાંધીનગર સુધી નાટક જ નાટક જોવા મળ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવાના નથી. આમ છતાં ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા 12:30 વાગ્યા સુધી રાહ જોઇ રાજીનામાના ધતિંગ કર્યા અને ત્યારબાદ ત્યાંથી ચાલતી પકડી.
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 100 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા, જ્યાં સમર્થકો તેમના સમર્થનમાં બેનરો સાથે શક્તિ પ્રદર્શન માટે તૈયાર હતા. આ માત્ર શો બાજી રાજકીય સ્ટંટ સિવાય બીજું કશું જ ન હતું. કારણ કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિધાનસભા અધ્યક્ષને મળવાનો સમય લીધો ન હતો. બીજી તરફ ગોપાલ ઇટાલિયા તો રાજીનામું આપે જ કેવી રીતે? ઇટાલિયા વિસાવદરથી જીત્યા છે પરંતુ હજુ તેમની શપથવિધિ બાકી છે. ટૂંકમાં આ નેતાઓને એટલું જ કહેવાનું કે, પ્રજાને મૂર્ખ બનાવવાનું બંધ કરો.
ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખુલ્લો પડકાર ફેંકતાં કહ્યું હતું કે ‘જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે! જો હું હારી જઇશ તો 2 કરોડ રૂપિયા આપીશ.’ અમૃતિયાએ 2 કરોડ અને ચૂંટણી લડવાનો મમરો મૂકી રાજકારણ શરૂ કર્યું. જો કાંતિ અમૃતિયા પ્રજાનું હિત અને વિકાસની રાજનીતિ ઇચ્છતા હોત, તો તેમણે 2 કરોડ રૂપિયા પ્રજાહિતમાં વાપરવાની ચેલેન્જ આપી હોત. આમ, ધારાસભ્યોની વટની લડાઇમાં આમ જનતાનો મરો થઇ રહ્યો છે. પ્રજા વટની નહી પણ વિકાસની રાજનીતિ ઇચ્છે છે. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા રાજીનામા વોરના લીધે આમ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકીય લડાઇમાં આમ જનતાના પાયા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. પાણી, રોડ, રસ્તા જેવા પ્રશ્નોની જનતા પીડાઇ રહી છે, પ્રજાના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી ચૂંટણી યોજવામાં આવે છે અને હવે રાજીનામા ધરવાની વાતો કરી રહ્યા છે. રાજીનામા આપવાની નહી પણ કામો કરવાની ચેલેન્જ આપો. જેથી પ્રજાનું ભલુ થાય. એટલે જ સામાન્ય નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે, નેતાજીએ 2 કરોડ રૂપિયા રોડ પડેલા ખાડા પૂરવા, પાણી નિકાલ સહિત વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે વાપરવાની જાહેરાત કરવી જોઇતી હતી.
