
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવાના મામલે કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ નોંધેલી FIRને રદ કરી દેવામાં આવી છે. કવિતા સંબંધી આરોપો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૌલિક અધિકારોની રક્ષા થવી જોઇએ. પોલીસ મૂળભૂત રક્ષણની રક્ષા કરે. જસ્ટિસ અભ્ય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાંની પીઠે આ ફેંસલો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે કથિત રીતે એક ‘ભડકાઉ’ ગીતનો એડિટેડ વીડિયો પોસ્ટ કરવાના આરોપમાં ગુજરાતના જામનગરમાં નોંધાયેલા એક કેસમાં કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. જાન્યુઆરીમાં જામનગરમાં એક સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ઇમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં “હે લોહીના તરસ્યા લોકો, સાંભળો…” જેવા શબ્દો સાથે એક કવિતા બેકગ્રાઉન્ડમાં મૂકી હતી. ત્યાર પછી જામનગરના એક નાગરિકે પ્રતાપગઢી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તેમાં આરોપ મૂકાયો હતો કે પ્રતાપગઢીની કવિતાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ થયો હતો. કોંગ્રેસના માઇનોરિટી સેલના રાષ્ટ્રીય પ્રમુખ પ્રતાપગઢી પર ભારતીય દંડ સંહિતાની કલમ 196 (ધર્મ, જાતિ, વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને કલમ 197 (રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ આરોપો, દાવાઓ) સહિત વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
