
અમદાવાદમાં આજે 27 જૂન, 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી ઐતિહાસિક રથયાત્રા પરંપરાગત ઉત્સાહ અને ભક્તિના અનેરા રંગો સાથે યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષથી અમદાવાદ શહેરની ગલીઓ ગુંજી ઉઠી, જ્યાં ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની નગરચર્યાએ લાખો ભક્તોના હૃદયમાં આનંદનું સંચાર કર્યું. રથયાત્રાનો આ પવિત્ર ઉત્સવ શહેરના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રારંભ થયો, જ્યાં રથને ભવ્ય શણગાર સાથે શોભાયાત્રામાં લઈ જવામાં આવ્યા. રસ્તાઓ પર ઉભરાતી ભીડમાં ભક્તોની ભક્તિ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાતા હતા. આ યાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ ઝાંખીઓથી સજ્જ ટ્રકો અને અખાડાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને યુવાનો દ્વારા અવનવા કરતબો રજૂ કરવામાં આવ્યા.
આકર્ષક ઝાંખીઓમાં રંગબેરંગી સજાવટ અને પરંપરાગત નૃત્યોનું પ્રદર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. બાળકોના કરતબો, જેમાં શારીરિક કૌશલ્ય અને સાંસ્કૃતિક રજૂઆતોનો સમાવેશ થયો હતો, જેણે ભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઝાંખીઓએ યાત્રાને માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવનું સ્વરૂપ આપ્યું. રથયાત્રા દરમિયાન શહેરની ગલીઓ ભક્તોના ઉત્સાહથી ગુંજી ઉઠી, જ્યાં લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે આતુર દેખાયા હતા. રથોની શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જેમાં ભક્તોએ પ્રસાદ, ફૂલો અને ભક્તિ ભાવથી ભગવાનનું સ્વાગત કર્યું. આ ઉત્સવે અમદાવાદની સાંસ્કૃતિક વિવિધતા અને ધાર્મિક એકતાને ઉજાગર કરી, જે દર વર્ષે લાખો લોકોને એકસાથે લાવે છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક મહત્ત્વ ધરાવતી નથી, પરંતુ સમુદાયની એકતા અને સંસ્કૃતિના સંરક્ષણનું પણ પ્રતીક છે. જણાવી દઇએ કે, અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી ત્યાં લગભગ 9.33 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. ત્યારે અચાનક જ સૌપ્રથમ આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો હતો. ત્યારબાદ ધીમે ધીમે પાછળ બેથી ત્રણ હાથી આવી રહ્યા હતા જે હાથી પણ લાઈનમાં આગળ ચાલવાની જગ્યાએ થોડા દોડવા લાગ્યા હતા. હાથી બેકાબૂ થતા ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે SVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રથયાત્રામાં ખડીયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું હતુ.
